ગુજરાત સરકારના વર્ષ-૨૦૨૬/૨૭ના બજેટમાં દાહોદ જિલ્લા માટે ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. રાજયના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ આદિજાતી પટ્ટીમાં દાહોદ જિલ્લામાં રોજગારીની તકો વધારવા માટે દાહોદ જિલ્લાના બે મહત્વના સરહદી તાલુકાઓ ગરબાડા અને ઝાલોદમાં નવી ઓૈદ્યોગિક વસાહતો સ્થાપવાની મંજુરીની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે.
ગરબાડા તાલુકો મઘ્યપ્રદેશની સરહદને અડીને આવેલો છે. જયારે ઝાલોદ તાલુકો રાજસ્થાન રાજયની સરહદની નજીક છે. આ બંને સરહદી વિસ્તારોમાં જીઆઈડીસી સ્થાપવાની આંતરરાજય વ્યાપારિક પ્રવૃત્તિઓને મોટો વેગ મળશે. રાજસ્થાન અને મઘ્યપ્રદેશ સાથેની કનેક્ટિવિટીઓનો સીધો લાભ અહિં સ્થાપનારા ઉદ્યોગોને લોજિસ્ટિકસ અને પરીવહનમાં મળશે. જેનાથી આ વિસ્તાર એક મોટા વ્યાપારી હબ તરીકે ઉભરી આવશે. દાહોદ જિલ્લાની સોૈથી મોટી સમસ્યા શ્રમિકોનુ સ્થળાંતર છે. દર વર્ષે હજારો લોકો રોજગારીની શોધમાં અન્ય રાજયોમાં જાય છે. પરંતુ હવે ગરબાડા અને ઝાલોદમાં ઉદ્યોગો આવતા આ સ્થળાંતર પર મોટી બ્રેક લાગી શકે છે. સરકાર દ્વારા આ નવી ઓૈદ્યોગિક વસાહતોમાં જમીન સંપાદન-વીજળી-પાણી અને પાકા રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓ માટે બજેટમાં વિશેષ ભંડોળ ફાળવવામાં આવ્યુ છે.