મનરેગા યોજના કામોની તપાસમાં નિમાયેલ ટીમના રિપોર્ટ બાદ ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી થશે ?
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં થયેલા મનરેગા યોજના હેઠળના 25 કામોમાં ભ્રષ્ટાચાર થતા અનેક વખત ચર્ચામાં આવેલ વેજલપુર પંચાયતના મનરેગા કામોની તપાસ માટે ગોધરા તાલુકાના પંચાયતની ટીમ તેમજ કાલોલ તાલુકા પંચાયત ટીમ દ્વારા તાલુકા પંચાયત સભ્ય સલીમ કડીયાને સાથે રાખી મનરેગાના કામોની તપાસ હાથ ધરવામાં આવી હતી.
વેજલપુર પંચાયતના મનરેગા યોજનાના 25 જેટલા કામોની તપાસ માટે ગોધરા તાલુકા પંચાયત અને કાલોલ તાલુકા પંચાયતની ટીમો દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. મનરેગાના કામોની તપાસ શરૂ થતાં ભ્રષ્ટાચારી બાબુઓ તેમજ મટીરીયલ સપ્લાયર એજન્સીઓમાંં ખડભડાટ મચી જવા પામ્યો છે. સાથે ભ્રષ્ટાચારીઓની રાતોની ઉંધ હરામ થઈ છે. હવે ભ્રષ્ટાચારના ભરડા માંથી કઈ રીતે બહાર નિકળવું તેવા પ્રયાસો અને કાવાદાવા શરૂ કર્યા છે. વેજલપુરગામે અંદાજીત રૂા.65,97,000/-ના મટીરીયલ સામગ્રી અને 25 મનરેગા કામોની મંજુરીના રૂા.17,38,836/-ચુકવવામા: આવ્યા છે. જ્યારે સ્થળ ઉપર તમામ કામોમાં મનેરેગા યોજનાના નીતિ નિયમો વિરૂદ્ધ કરી મોટા પ્રમાણમાં ગેરરીતિ ભ્રષ્ટાચાર કરેલ છે. જેથી તમામ કામોની ઉંડાણપૂર્વક તપાસ કરતાં સ્થળ પર 50 ટકા જેટલું પણ સ્થળ ઉપર કામો થયેલા નથી. જેને લઈ તપાસ શરૂ થતાં જ ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જેથી વેજલપુર ગામે થયેલ મનરેગા યોજના કામોના તપાસ ટીમના અધિકારીની તપાસમાં ગેરરીતિઓ સામે આવી છે. વેજલપુર પંચાયતના મનરેગાના 25 કામોની તપાસ માટેની ટીમ દ્વારા કેવા પ્રકારનો રિપોર્ટ તૈયાર કરશે તેની ઉપર દરેક ગ્રામજનોની નજર છે. મનરેગાના કામોમાં થયેલ ગેરરીતિ અને ભ્રષ્ટાચારમાં કેટલા લોકો સામે ફરિયાદ નોંધાશે કે પછી મનરેગા કામોની તપાસ ટીમ ભ્રષ્ટાચારી બાબુઓને બચાવ કરશે તે જોવું રહ્યું.
બોકસ:
વેજલપુર ગ્રામ પંચાયતમાં 25 જેટલા મનરેગા યોજનાના કામોમાં ગેરરીતિની ફરિયાદ ઉઠતા તપાસ ટીમની રચના કરાઈ છે અને તપાસ ટીમની સ્થળ તપાસમાં અનેક કામો સ્થળ ઉપર થયેલ નથી. તેમાં મદની સોસાયટીમાં પેપર બ્લોકની કામગીરી માત્ર કાગળ ઉપર દર્શાવાઈ છે. મનરેગાના કામોમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ ભ્રષ્ટાચાર સામે આવતાં તપાસ ટીમના અધિકારીઓ કર્મચારીઓ અચંબિત થયા હતા.