
ઉમરેઠ વિધાનસભામાં સતત બે ટર્મથી ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવનાર ગોવિંદભાઈ પરમારનું આકસ્મિક અવસાન થયું છે, હજી દોઢ- બે વર્ષ જેટલી મુદત બાકી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા આ બેઠકને ખાલી જાહેર કરીને તેની પેટાચૂંટણી માટે ૨૩મી એપ્રિલના રોજ મતદાનની જાહેરાત કરી છે. ઉમરેઠ વિધાનસભા બેઠક કે જેના ઉપર ક્ષત્રિય મતોનું પ્રભુત્વ છે. અગાઉ આ બેઠક પર સારસા વિધાનસભાનું વર્ષ ૨૦૧૨માં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. તે પૂર્વે અન્ય સમાજના ઉમેદવારોએ પણ આ બેઠક ઉપર જીત મેળવી હતી, જોકે હાલમાં તેના સમીકરણો બદલાયા છે જેના કારણે ક્ષત્રિય ઉમેદવારને રાજકીય પક્ષો દ્વારા પ્રથમ પસંદગી કરવાની કવાયત ચાલી રહી છે. સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારને ક્ષત્રિય મતદાન ઉપર પકડ હતી અને તેઓ ભાજપની ટિકિટ પર બે વાર ચૂંટાયા હતા. જ્યારે એકવાર પરાજિત પણ થયા હતા અને અપક્ષ તરીકે પણ એકવાર જીતીને મંત્રી પણ બન્યા હતા.
અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક છેલ્લી બંને વખત કોંગ્રેસે નજીવી સરસાઈથી ગુમાવી હતી. વર્ષ ૧૯૯૦ માં જ્યારે સારસા વિધાનસભા બેઠક હતી ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે જયંત પટેલે આ બેઠક પર જીત મેળવી હતી. ત્યારબાદ ૧૯૯૫ અને ૧૯૯૮ અને ૨૦૦૨ માં તેઓ પરાજય પામ્યા હતા, પરંતુ વર્ષ ૨૦૦૭ અને ૨૦૧૨ ઉમરેઠમાં પણ ફરીથી એનસીપીના ઉમેદવાર તરીકે કોંગ્રેસના ટેકાથી જીત મેળવી હતી. વર્ષ ૨૦૦૨માં પ્રથમવાર ઉમરેઠ બેઠક પર ભાજપના ઉમેદવાર વિષ્ણુભાઈ પટેલ પણ ચૂંટાયા હતા. આમ ઉમરેઠ બેઠક પર સાત વખત ક્ષત્રિય ૬ વાર બ્રાહ્મણ અને બે વખત પટેલ ઉમેદવારોનો વિજય થયો છે. સારસા વિધાનસભાના ૧૪ ઉપરાંત ગામો ઉમરેઠ વિધાનસભા બેઠકમાં ઉમેરાયા હતા, એટલે હવે ક્ષત્રિય મતદારોનો વર્ચસ્વ વધારે હોવાથી રાજકીય પક્ષો હવે ક્ષત્રિય ઉમેદવારો પર ભાર મૂકી રહ્યા છે. આ અંગે ભાજપના વર્તુળોએ જણાવ્યું હતું કે, ઉમેદવારની પસંદગી મોવડી મંડળ નક્કી કરશે જ્યારે તે પહેલાં દાવેદારોને સાંભળવામાં આવશે.
આ બેઠક પર અગાઉ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે લાલસિંહ વડોદીયા જેવા જુના જાગી ઉપરાંત હવે નવા યુવાન દાવેદારો પણ પોતાની ઉમેદવારી નોંધાવવા સક્રિય બન્યા છે. તે પહેલા એનસીપીના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ બોસ્કીએ પોતાની ઉમેદવારી જાહેર કરી દીધી છે જેથી ફરી એક વાર ત્રિપાંખીયો જંગ જામે તેવા અેંધણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસ પણ આ ગઢ ફરી કબજે કરવા સક્રિય બની છે અને અગાઉ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને મહિલા ઉમેદવાર તરીકે કપિલાબેન ચાવડા કે જેમણે જબરદસ્ત મતો મેળવીને બીજા સ્થાને રહ્યા હતા, આ ઉપરાંત ઉમરેઠ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ પણ દાવેદાર મનાઈ રહ્યા છે. અન્ય રાજકીય પક્ષોમાં આમ આદમી પાર્ટી પણ હવે મેદાનમાં આવી ગઈ છે અને તે પણ પોતાનો ઉમેદવાર ઉભો કરશે જ્યારે બીજા પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ આ પેટા ચૂંટણીમાં ઝંપલાવવા માટે સક્રિય બની ગયા છે. ઉમરેઠ વિધાનસભા બેઠક ઉપર જ્યારે પણ ગઠબંધન થાય છે ત્યારે જ્ઞાતિ સમીકરણોનો છેદ ઉડી જતો હોવાનું જોવા મળ્યું છે. જોકે આ વખતે કોંગ્રેસનું ગઠબંધન કોઈની સાથે છે નહીં એટલે ભાજપ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે મુખ્ય સ્પર્ધા રહેવાની શક્્યતા જણાઈ રહી છે. હવે મુખ્ય રાજકીય પક્ષો ક્ષત્રિય ઉમેદવારને પ્રાધાન્ય આપે છે કે પછી કોઈ બીજી જ્ઞાતિના નવા ઉમેદવારને તક આપે છે તેના ઉપર સૌની નજર મંડાઇ છે અને દાવેદારોએ ટિકિટ મેળવવા માટે પોતાના રાજકીય આકાઓ સાથે લોબિંગ પણ શરૂ કરી દીધું છે. ૨.૪૨ લાખ મતદારો ધરાવતી આ વિધાનસભામાં હવે આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે.