
તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના બળવાખોર સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે દાવો કર્યો છે કે લોકસભામાં તેમના નેતૃત્વ હેઠળના સાંસદોની સંખ્યા ૨૨ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં વધુ બે સાંસદો જૂથમાં જાડાશે. બળવાખોર સાંસદો સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળશે અને એક અલગ સંસદીય જૂથ તરીકે માન્યતા મેળવવાની માંગ કરશે.
નવી દિલ્હી જતા પહેલા કોલકાતા એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા કાકોલી ઘોષ દસ્તીદારે કહ્યું, “અમારી સંખ્યા હવે વધીને ૨૨ થઈ ગઈ છે. સ્પીકરે અમને સમય આપ્યો છે. સોમવારે, અમે તેમની સાથે મુલાકાત કરીશું અને એક અલગ સંસદીય જૂથ તરીકે માન્યતા માંગીશું.” તેમણે બે વધારાના સાંસદોના નામ જાહેર કર્યા ન હતા, પરંતુ કહ્યું હતું કે તેમના નામ ઔપચારિક રીતે જૂથમાં જાડાયા પછી જ જાહેર કરવામાં આવશે. તેમણે દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળની વર્તમાન રાજકીય પરિસ્થિતિ સાથે અસંમત ઘણા સાંસદો તેમના સંપર્કમાં છે.
બળવાખોર જૂથના સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ કોલકાતામાં નિર્ધારિત સાંસદોની પ્રસ્તાવિત બેઠક હવે દિલ્હીમાં યોજાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી પણ આ બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા હતી, પરંતુ દિઘા-શંકરપુર વિકાસ સત્તામંડળ સંબંધિત સત્તાવાર વ્યસ્તતાને કારણે તેમના દિલ્હી પહોંચવાની શકયતા ઓછી છે.
શુક્રવારે, ૧૯ ટીએમસી સાંસદો દ્વારા હસ્તાક્ષરિત એક દસ્તાવેજ સામે આવ્યો હતો, જેમાં લોકસભા સ્પીકરને કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વ હેઠળના એક અલગ સંસદીય જૂથને માન્યતા આપવા વિનંતી કરવામાં આવી હતી. દસ્તાવેજ પર સહી કરનારાઓમાં શતાબ્દી રોય, બાપી હલદર, શર્મિલા સરકાર, પ્રસૂન બેનર્જી, જગદીશ ચંદ્ર બર્મન બાસુનિયા, અસિત માલ, અરૂપ ચક્રવર્તી, કાલીપદ સોરેન, દીપક અધિકારી (દેવ), જૂન માલિયા, પાર્થ ભૌમિક, ખલીકુર રહેમાન, અબુ તાહિર ખાન, યુસુફ પઠાણ, મિતાલી બાગ અને માલા રોય જેવા સાંસદોનો સમાવેશ થાય છે.
દસ્તાવેજ પર રચના બેનર્જી અને સયાની ઘોષના અલગ-અલગ હસ્તાક્ષરો પણ હતા. જોકે, લોકસભા સ્પીકરના સચિવાલયે પત્ર મળ્યાની કે તેના પર કોઈ કાર્યવાહીની સત્તાવાર પુષ્ટિ કરી નથી. બળવાખોર જૂથે કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની રાષ્ટિય લોકશાહી ગઠબંધન સરકારને ટેકો આપવાનો પોતાનો ઈરાદો પહેલાથી જ દર્શાવી દીધો છે.
ટીએમસીના જે સાંસદોની સહીઓ કથિત દસ્તાવેજ પર નહોતી તેમાં અભિષેક બેનર્જી, કલ્યાણ બેનર્જી, સૌગત રોય, મહુઆ મોઇત્રા, કીર્તિ આઝાદ, શત્રુધ્ન સિંહા, પ્રતિમા મંડલ અને સજદા અહેમદનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ ટીએમસીમાં આ અસંતોષે પાર્ટી નેતૃત્વ માટે એક નવો પડકાર ઉભો કર્યો છે. હવે બધાની નજર સોમવારે લોકસભા સ્પીકર સાથેની મુલાકાત અને ત્યારબાદ થનારા રાજકીય વિકાસ પર છે.