નડિયાદમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરાઃ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી પર ૪૦ના ટોળાનો જીવલેણ હુમલો

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. નડિયાદ શહેર ભાજપ કિસાન મોરચાના મહામંત્રી તેમજ વોર્ડ નંબર-૧૩ના જાણીતા સમાજસેવક પ્રકાશભાઈ પ્રેમજીભાઈ પરમાર પર આશરે ૪૦ જેટલા લોકોના ટોળાએ હિંસક હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ, નડિયાદની વ્યસ્ત ગણાતી ડી-માર્ટ ચોકડી નજીક આ ઘટના આકાર પામી હતી. દાવલીયાપુરાના મહેન્દ્ર ચાવડા અને તેના સાગરીતોએ જૂની અદાવતનો ખાર રાખીને સમાજસેવક પ્રકાશભાઈ પરમારને નિશાન બનાવ્યા હતા. ૪૦ જેટલા લોકોના હિંસક ટોળાએ પ્રકાશભાઈને ઘેરી લીધા હતા અને ગરદા-પાટુ તેમજ ઘાતક હથિયારો વડે બેરહેમીથી મારપીટ શરૂ કરી દીધી હતી.

આ સમગ્ર હિંસક હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ટોળું કઈ રીતે બેફામ બનીને હુમલો કરી રહ્યું છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરીજનોમાં કાયદાના ડર અંગે ચિંતા વ્યાપી ગઈ છે.હુમલો એટલો ગંભીર અને જીવલેણ હતો કે પ્રકાશભાઈ પરમાર લોહીલુહાણ થઈને ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ભાજપના સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને તેમના મોટી સંખ્યામાં સમર્થકો હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.