એસઆઇઆર,નોટબંધી અને લોકડાઉનની જેમ જ ઉતાવળમાં લાગુ કરવામાં આવ્યું હતું,કોંગ્રેસ

વિવિધ રાજ્યોમાં કેટલાક બૂથ-સ્તરના અધિકારીઓના મૃત્યુના અહેવાલો સામે આવ્યા છે. આમાંના ઘણા મૃત્યુ પાછળ એસઆઇઆર અધિકારીઓના ભારે કાર્યભારને કારણભૂત ગણાવવામાં આવી રહ્યું છે. હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે કામનો ભારણ બીએલઓ અને મતદાન અધિકારીઓને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી રહ્યું છે. કોંગ્રેસે દાવો કર્યો હતો કે એસઆઇઆર ઉતાવળમાં લાગુ કરવામાં આવ્યો હતો અને તે નોટબંધી અને લોકડાઉનના નિર્ણયોની યાદ અપાવે છે.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખર્ગેએ કહ્યું કે ભાજપની મત ચોરી હવે ઘાતક બની ગઈ છે. એકસ પર શેર કરેલી પોસ્ટમાં, ખર્ગેએ દાવો કર્યો હતો કે ૧૯ દિવસમાં, મતદાર યાદીના ઊંડા સંશોધન દરમિયાન ૧૬ બીએલઓ મૃત્યુ પામ્યા છે. કાર્યભાર બીએલઓ અને મતદાન અધિકારીઓને આત્મહત્યા કરવા મજબૂર કરી રહ્યો છે. ખર્ગેએ લખ્યું, જે દરેક પરિવારે પોતાના પ્રિયજન ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. જમીની વાસ્તવિક્તાના આધારે, આ સંખ્યા અહેવાલ કરતા ઘણી વધારે છે, જે ખૂબ ચિંતાનો વિષય છે. આ પરિવારોને ન્યાય કોણ આપશે?’ તેમણે આરોપ લગાવ્યો, ભાજપ ચોરી કરેલી સત્તાનો આનંદ માણી રહી છે, જ્યારે ચૂંટણી પંચ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે.

ખર્ગેએ દાવો કર્યો, એસઆઈઆરનો ઉતાવળિયો, બિનઆયોજિત અને બળજબરીથી અમલ નોટબંધી અને કોવિડ-૧૯ લોકડાઉનની યાદ અપાવે છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપની સત્તાની ભૂખ સંસ્થાઓને આત્મહત્યા કરવા, બંધારણને નાબૂદ કરવા અને સત્તાનો દુરુપયોગ કરીને લોકશાહીને નબળી પાડવા માટે મજબૂર કરી રહી છે.

ખર્ગેએ કહ્યું, બસ થઈ ગયું! જો આપણે હજુ પણ જાગીશું નહીં, તો લોકશાહીના છેલ્લા સ્તંભોને તૂટી પડતા કોઈ બચાવી શકશે નહીં. જે લોકો એસઆઈઆર અને મત ચોરી પર મૌન રહે છે તેઓ આ નિર્દોષ બીએલઓના મૃત્યુ માટે જવાબદાર છે. પશ્ર્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) તરીકે કામ કરતી એક મહિલા શનિવારે તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. તેના પરિવારે કહ્યું કે તે કામ સંબંધિત ભારે તણાવમાં હતી અને તેણે આત્મહત્યા કરી હતી.