પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જે.બી. સોલંકી એ શહેરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની તાત્કાલિક બદલી કરવાની માંગ સાથે લેખિત રજૂઆત કરવા ગાંધીનગર પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા. પોલીસ ભવન ગાંધીનગર ખાતે કરેલી લેખિત રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, પોલીસ સ્ટેશનમાં ૩ વર્ષથી વધુ સમય સુધી ફરજ બજાવી શકે નહીં, નિયમ મુજબ જીલ્લા પોલીસ વડા દ્વારા તેમની તાત્કાલિક બદલી કરવાની હોય છે. આમ છતાં, શહેરા પોલીસ સ્ટેશનમાં અમુક પોલીસ કર્મચારીઓ છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે.વધુમાં ગંભીર આક્ષેપ કરતાં જણાવવામાં આવ્યું છે કે, લાંબા સમયથી ફરજ બજાવતા અમુક પોલીસ કર્મચારીઓ શહેરા પોલીસ સ્ટેશનમાં રાઇટર અને ડી.સ્ટાફ જેવી અત્યંત મહત્વની અને સંવેદનશીલ ગણાતી ફરજો બજાવી રહ્યા છે.તાલુકા કોંગ્રેસ પ્રમુખ જે.બી. સોલંકીએ પોલીસ ભવન ગાંધીનગર ખાતે કરેલ લેખિત રજૂઆતમાં વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, આ લાંબા સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી અન્ય પોલીસ સ્ટેશનમાં બદલી કરવા માંગ કરી હતી. આ સાથે જ આ કર્મચારીઓએ હોદ્દાનો દુપયોગ કરીને કોઈ બે નંબરી સંપત્તિ વસાવી છે કે કેમ, તેની પણ ઉચ્ચ કક્ષાએથી ખાતાકીય તપાસ કરાવવા વિનંતી કરી છે.જો આગામી ૧૦ દિવસની અંદર આ બાબતે યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કચેરી બહાર ધરણાં પ્રદર્શન અને આંદોલન કરવાની ફરજ પડશે તેવી લેખિત ચીમકી પણ સ્પષ્ટપણે આપવામાં આવી છે.