શહેરા તાલુકાના ખાંડા ગામે દિપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

શહેરા તાલુકામાં વન્યજીવોના માનવ વસાહત તરફ આવવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે રાત્રિએ ખાંડા ગામના નદી ફળિયા નજીક દીપડો દેખા દેતા સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. દીપડાએ ગામની સીમમાં એક સાહુડીનું મારણ કર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવતા સ્થાનિકોમાં પોતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી છે.

શહેરા તાલુકાના ખાંડા ગામના નદી ફળિયા વિસ્તારમાં રાત્રિના સમયે અચાનક દીપડો ચડી આવ્યો હતો. સ્થાનિક રહીશોએ દીપડાને નજીકની ખુલ્લી જગ્યામાં અને ત્યારબાદ એક ઝાડ પર ચઢતા જોયો હતો. અંધારામાં દીપડાની હાજરીથી ફળિયાના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, દીપડો ખાધ્યની શોધમાં રહેણાંક વિસ્તારની નજીક આવી ચઢ્યો હતો અને તેણે ત્યાં રહેલી એક સાહુડી નું મારણ કર્યું હતું. સાહુડીના મારણના અવશેષો મળી આવતા દીપડો હિંસક મિજાજમાં હોવાનું જણાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.જાણ થતા જ ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગ અને પોલીસને જાણ કરી હતી. વન વિભાગના આર.એફ.ઓ. રોહિત પટેલના માર્ગદર્શન હેઠળ ખાંડીયા રાઉન્ડમાં ફરજ બજાવતા આર.એસ. ચૌહાણ, સી.સી.પટેલ, એલ.ડી રબારી સહિતનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. વનકર્મીઓએ દીપડાના પગના નિશાન અને મારણના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, દીપડો ઝાડ પરથી ઉતરીને કઈ દિશામાં ગયો છે તેની પણ તપાસ કરવામાં આવી હતી,વન વિભાગની ટીમે રાત્રિ દરમિયાન જ ગામના લોકોને ભેગા કરી સાવચેતી રાખવા માટે જ‚રી સૂચનાઓ આપી હતી.ખાંડા ગામ નદી કિનારે આવેલું હોવાથી અને આસપાસ કોતરો તેમજ ઝાડી હોવાથી અવારનવાર વન્ય પ્રાણીઓ અહીં દેખા દેતા હોય છે. પરંતુ દીપડાએ સાહુડીનું મારણ કરતા હવે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જોકે દીપડો સામાન્ય રીતે કુતરા કે નાના પશુઓનું મારણ કરતો હોય પરંતુ ખસાહુડી નું મારણ કર્યું છે. સાહુડીના શરીર પર અણીદાર કાંટા હોવા છતાં દીપડાએ તેનો શિકાર કર્યો તે દર્શાવે છે કે દીપડો લાંબા સમયથી ભૂખ્યો હોઈ શકે છે અથવા ખૂબ જ આક્રમક મિજાજમાં છે. આ ઘટના નદી ફળિયાના રહેણાંક મકાનોની સાવ નજીક બની હતી.