શહેરા મોરવા હડફ, ગોધરા સહિત સમગ્ર જીલ્લામાં ધૂળેટીપર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ

શહેરા, મોરવા હડફ,ગોધરા સહિત સમગ્ર જીલ્લામાં રંગોના પર્વ હોળી અને ધૂળેટીની પરંપરાગત આસ્થા અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમાન આ પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નગર અને ગ્રામ્ય વિસ્તારમાં એકબીજાને રંગોથી રંગીને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો હતો.

શહેરા, મોરવા હડફ, ગોધરા સહિત સમગ્ર જીલ્લામાં ધૂળેટીના દિવસે સવારથી જ રંગોની મજા જોવા મળી હતી. સમગ્ર જીલ્લો જાણે રંગોના સાગરમાં ડૂબ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ વખતે નગરજનો અને ગ્રામીણ પ્રજામાં જાગૃતિ જોવા મળી હતી. લોકોએ ઝેરી કેમિકલવાળા રંગોને બાજુ પર મૂકીને ગુલાલ અને કેસુડાના પાણીનો આગ્રહ રાખ્યો હતો. નાના ભૂલકાઓ હાથમાં પીચકારીઓ લઈને સોસાયટી તેમજ અન્ય વિસ્તારમાં નીકળી પડ્યા હતા અને એકબીજા પર પાણી છાંટીને રંગબેરંગી કલરથી રંગતા જોવા મળ્યા હતા. યુવા વર્ગ અને મોટેરાઓમાં પણ અનેરો ઉત્સાહ હતો. મિત્રો અને સ્નેહીજનોએ એકબીજાને ગુલાલ અને વિવિધ રંગોથી નવડાવ્યા હતા. લોકો “ભૂરા મત માનો ધુળેટી હેના નારા સાથે ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ઠેર-ઠેર ઢોલ અને સંગીતના તાલે યુવાનો ગરબા અને બોલિવૂડ ગીતો પર નૃત્ય કરતા જોવા મળ્યા હતા. રંગોની સાથે સંગીતના સૂર રેલાતા વાતાવરણ એકદમ ભક્તિમય અને ઉત્સાહવર્ધક બની ગયું હતું.તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પર્વનું એક આગવું જ મહત્વ જોવા મળ્યું હતું. અહીં પરંપરાગત ઘેરીયાઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અવનવી વેશભૂષા ધારણ કરી, પગમાં ઘૂઘરા બાંધીને ઢોલ-નગારાના તાલે ઘેરીયાઓ ગામના ફળિયે-ફળિયે ફરતા નજરે પડ્યા હતા. હોળીના લોકગીતો ગાવાની સાથે ’ગપૂલી’ રમતા આ ઘેરીયાઓએ ગ્રામીણ સંસ્કૃતિની ઝલક પેશ કરી હતી. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર જીલ્લાના મુખ્ય પોઈન્ટ્સ અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસના સતત પેટ્રોલિંગને કારણે શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી.