
શહેરા નગરની સિંધી સોસાયટી સ્થિત ગુરૂનાનક મંદિર ખાતે દેવ દિવાળી અને ગુરૂનાનક જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પ્રભાત ફેરી, પોથી યાત્રા, ભજન-કીર્તન, કથા અને ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
પંચમહાલ જિલ્લામાં દેવ દિવાળી અને ગુરૂનાનક જયંતિના પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરા નગરના સિંધી સોસાયટી ખાતે સ્થિત ગુરૂનાનક મંદિરમાં ગુરૂનાનક જયંતિ નિમિત્તે વિશેષ સત્સંગ અને
ભજન-કીર્તનના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. વહેલી સવારે પાંચ વાગ્યાથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ જયકારાના નાદ સાથે સમગ્ર નગરમાં ગુરૂનાનક દેવની પોથી યાત્રા કાઢી હતી. છેલ્લા કેટલાક દિવસોથી મંદિર પરિસરમાં સવારથી પ્રભાત ફેરી, દિવસ દરમિયાન ભજન-કીર્તન અને સાંજે પૂજા-પાઠ તથા ગુરૂ દરબારમાં ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા હોવાથી સમગ્ર વિસ્તારમાં ઉત્સવ અને મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.આ પ્રસંગે મહારાષ્ટ્ર રાજ્યના બોમ્બે ઉલ્લાસનગરથી પધારેલા દાદા રમેશ દયારામાણીએ ઉપસ્થિત ભક્તોને ગુરૂનાનક જયંતિના મહત્વ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી અને કથાનું રસપાન કરાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગુરૂનાનક દેવ સહિતના ગુરૂઓની પરંપરા સેવા અને ધર્મરક્ષાના સંદેશને ઉજાગર કરવામાં આવ્યો હતો.વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે મંદિર ખાતે પહોંચ્યા હતા અને ગુરૂનાનક ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં સિંધી સમાજના ભાઈઓ-બહેનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી ભક્તિરસનો લ્હાવો લીધો હતો. કાર્યક્રમના અંતે મંદિર ખાતે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ ભક્તોએ પ્રસાદનો લ્હાવો લીધો હતો. સમગ્ર ભક્તિમય આયોજનને સફળ બનાવવા માટે લાડી લોહાણા સમાજના રાષ્ટ્રીય પ્રમુખ રૂપચંદ સેવકાણી,સિંધી સમાજના અગ્રણી મહેશ ભાઈ સહિત મંદિરના સેવાધારી સેવકો અને ગુરૂનાનકના ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.