શહેરામાં MGVCL ની મેગા ડ્રાઇવ: ૧૩૪  કનેક્શનમાં વીજ ચોરી પકડાતા ૩૭.૩૩ લાખનો દંડ ફટકાર્યો.

શહેરા તાલુકામાં વીજ કંપનીનું આક્રમક ચેકિંગ: ૨૫ થી વધુ ગામોમાં ૧૨૫૧ કનેક્શન તપાસાયા, ૩૭.૩૩ લાખનો દંડ ફટકારાતા ફફડાટ

શહેરા નગર તેમજ તાલુકાના 25 થી વધુ ગામોમાં  વીજ ચોરીની ફરિયાદોને પગલે એમ.જી.વી.સી. એલ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ કંપનીની ૩૯ જેટલી સંયુક્ત ટીમોએ  ૧૨૫૧ વીજ જોડાણો તપાસ કરવામાં આવતા ૧૩૪ કનેક્શનમાં ગેરરીતિ અને વીજ ચોરી પકડાતા સંબંધિત ગ્રાહકોને કુલ રૂ. ૩૭.૩૩ લાખનો દંડ ફટકારી  કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શહેરા નગર તેમજ આસપાસના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી મોટા પાયે ગેરકાયદેસર વીજ વપરાશ અને વ્યાપક વીજ ચોરી થતી હોવાની ફરિયાદો મળતા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એક્શન આવ્યું હતુ.વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ સોમવારની  વહેલી સવારથી જ નગર વિસ્તારમાં તેમજ તાલુકાના  વાડી,વલ્લભપુર, ઉંજડા,નાડા, નાંદરવા, ખોજલવાસા, બોરીયાવી,બોડીદ્રા, કવાલી, વાઘજીપુર સહિત ૨૫ થી વધુ ગામોમાં  ગોધરા, લુણાવાડા, હાલોલ સહિતના વિસ્તારોની અલગ-અલગ ૩૯ જેટલી સંયુક્ત ટીમોએ  ઓચિંતું ચેકિંગ હાથ ધરીને કુલ ૧૨૫૧ વીજ જોડાણોની ચકાસણી કરી હતી.આ તપાસ દરમિયાન મીટરો 

સાથે છેડછાડ, ડાયરેક્ટ લાઈનમાંથી વીજ વપરાશ સહિતની અનેક ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી જેમાં ૧૩૪ જોડાણોમાંથી વીજ ચોરી અને ગેરરીતિ પકડાતા સંબંધિત ગ્રાહકોને કુલ રૂ. ૩૭.૩૩ લાખનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.મધ્ય ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલી ટીમોએ ૨૫ થી વધુ ગામોમાં વીજ ચોરીને લઈને કરેલી કાર્યવાહીને લઈને વીજચોરી કરતા તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.