શહેરામાં બસ સ્ટેશનથી બજાર તરફનો રસ્તો બિસ્માર બનતા વાહનચાલકો તેમજ રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા

શહેરા બસ સ્ટેશનથી બજાર તરફનો રસ્તો છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસમાર અને ખાડાથી ઉબડખાબડ બની જતાં વાહનચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.

નગરના હાર્દસમા આ રસ્તાની દુર્દશા છતાં પાલિકાતંત્ર નવો રસ્તો બનાવવા જાણે કોઈ “શુભ મુહૂર્તની રાહ જોઈ રહ્યું છે.

શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા મુખ્ય બસ સ્ટેશનથી બજાર તરફ જતો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસમાર અને તૂટી ગયેલી હાલતમાં ફેરવાઈ ગયો છે. નગરના આ હાર્દસમા ગણાતો માર્ગ હોવા છતાં અને સમગ્ર દિવસ દરમિયાન સ્થાનિક રહીશો, વેપારીઓ તેમજ મુસાફરોની સતત ધમાધમ રહેતી હોવા છતાં, રસ્તાની આ જર્જરિત હાલતે નગરજનોની મુશ્કેલીઓમાં ભારે વધારો કર્યો છે. ઠેર-ઠેર પડેલા મોટા ખાડાઓ અને ઉબડખાબડ રસ્તાના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.સ્થાનિક બજાર તરફ જવાનો આ મુખ્ય સંપર્ક માર્ગ હોવાથી મોટી સંખ્યામાં આ રસ્તાનો ઉપયોગ સ્થાનિક નગરજનો સહિત અનેક લોકો કરતા હોય તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા આ રસ્તાનું નવેસરથી નિર્માણ કરવા માટે જાણે કોઈ “શુભ મુહૂર્તની રાહ જોવામાં આવી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. નવો રસ્તો બનાવવાની વાત તો દૂરી રહી, પરંતુ પ્રાથમિક તબક્કે આ રસ્તાની મરામત કરવાની તસ્દી પણ પાલિકાના ચીફ ઓફિસર કે સત્તાધીશો દ્વારા લેવામાં આવતી નથી. તંત્રની આ ઘોર બેદરકારી અને આળસ સામે શહેરાના નાગરિકોમાં છૂપો આક્રોશ જોવા મળી રહ્યો હતો. નગરજનો પાસેથી જાણવા મળ્યા મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસર કે લોકપ્રતિનિધિઓ દ્વારા વોર્ડ મુજબ વિવિધ વિસ્તારોની ‚બ‚ મુલાકાત લેવામાં આવતી જ નથી. પાલિકાના ચીફ ઓફિસર પોતાના એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને નગરજનોની સમસ્યાઓ સાંભળવામાં નીકળે તો ખબર પડે નગરજનો પાલિકાની કામગીરીથી કેટલા સંતોષ છે? બસ સ્ટેશનથી બજાર તરફના આ મુખ્ય માર્ગનું વહેલી તકે મરામત કામ હાથ ધરવામાં આવે અથવા નવો રસ્તો બનાવામા આવે તેવી આશા આ વિસ્તારના નગરજનો સાથે વેપારીઓ પણ રાખી રહ્યા હતા.