શહેરાનું મરડેશ્ર્વર ધામ શિવમય બન્યું: અંતિમ સોમવારે દર્શન માટે શિવભક્તો ઉમટી પડ્યા

અંતિમ સોમવારે શહેરાનું મરડેશ્ર્વર મંદિર ’હર હર મહાદેવ’ના નાદથી ગૂંજ્યું: ૮ ફૂટ પહોળા અને ઉંચાઈ ધરાવતાશિવલિંગના દર્શને ભક્તોનું ઘોડાપૂર.

શહેરા સહિત સમગ્ર જીલ્લાભરમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. નાના-મોટા શિવાલયો ‘હર હર મહાદેવ’ અને ’ઓમ નમ: શિવાય’ના જયઘોષથી ગૂંજી ઉઠ્યા હતા.પૌરાણિક મરડેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે શિવભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. ભાવિકોએ દેવાધિદેવ મહાદેવના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

શહેરા સહિત સમગ્ર જીલ્લામાં આવેલા શિવાલયો શ્રાવણ માસના છેલ્લા સોમવારનું વિશેષ મહાત્મ્ય હોવાથી હર હર મહાદેવના નાંદ થી ગુંજી ઉઠ્યા હતા.જ્યારે મરડેશ્ર્વર મહાદેવ ખાતે સવારની આરતીથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી ગઈ હતી. આસપાસના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત દૂર-દૂરથી આવેલા શિવભક્તોએ મહાદેવને શીશ નમાવ્યું હતું. ભક્તોએ ભક્તિભાવપૂર્વક દેવાધિદેવ શિવજીને જળાભિષેક, દૂધાભિષેક તેમજ બીલીપત્ર, કાળા તલ, કમળ અને વિવિધ સુગંધિત પુષ્પો અર્પણ કરીને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર મંદિર પરિસર ધૂપ-દીપ અને વૈદિક મંત્રોચ્ચારથી ભક્તિમય બની ગયો હતો. મરડેશ્ર્વર મહાદેવ મંદિર તેની પૌરાણિકતા અને અનોખી માન્યતા માટે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. અહીં બિરાજમાન શિવલિંગ અત્યંત વિશાળ અને આકર્ષક છે. મોટી સંખ્યામાં આવેલા ભાવિક ભક્તોએ આઠ ફૂટ પહોળાઈ અને લંબાઈ ધરાવતા આ અલૌકિક શિવલિંગના દર્શન કરી ભાવવિભોર બન્યા હતા. લોક માન્યતા મુજબ શ્રાવણના અંતિમ સોમવારે અહીં દર્શન અને પૂજન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે, જેથી શિવભક્તોએ પૂરા શ્રદ્ધાભાવથી દાદાના ચરણોમાં નમન કર્યા હતા.માત્ર મરડેશ્ર્વર મહાદેવ મંદિર જ નહીં, પરંતુ જીલ્લામાં આવેલા વિવિધ શિવ મંદિરોમાં પણ દર્શને શિવભક્તોની અવર જવર જોવા મળી હતી મંદિરોમાં વિશેષ શણગાર, લઘુ‚દ્ર, શિવધૂન અને મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન કોઈ અપ્રિય બનાવ બન્યા વગર અત્યંત શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણમાં શ્રાવણ માસના અંતિમ સોમવારની ઉજવણી સંપન્ન થઈ હતી.