અમારા બાપાનું નામ કેમ નથી? કહી ચાર શખ્સોએ ખેડૂતને માર માર્યો; ધારિયાના ઘાથી માથામાં ગંભીર ઈજા.
ઝાલોદ તાલુકાના પરથમપુર ગામે સર્વે નંબર-૧૫૩ની જમીનમાં નામ દાખલ કરવાના મુદ્દે ખેડૂત પરિવાર પર હુમલો થયો હતો. ફરિયાદ મુજબ, ચાર શખ્સો લાકડીઓ લઈને ૪૮ વર્ષીય ખેડૂત મનહરભાઈ મડીયાભાઈ હઠીલાના ઘરે આવ્યા અને જમીનના દસ્તાવેજમાં તેમના પિતાનું નામ દાખલ થવા અંગે બોલાચાલી બાદ તેમને માર માર્યો હતો. બાદમાં બે શખ્સો ધારિયું અને લાકડી લઈને હુમલામાં જોડાયા હતા.
ફરિયાદ મુજબ, મહેશભાઈ, મનુભાઈ, રાકેશભાઈ અને મુકેશભાઈ હઠીલાએ મનહરભાઈને લાકડીઓ અને લાતોથી માર માર્યો હતો. દરમિયાન સંદીપભાઈ હઠીલા ધારિયું અને ખુમસીંગભાઈ હઠીલા લાકડી લઈને આવ્યા હતા.
મનહરભાઈને બચાવવા તેમના પુત્રો જીગ્નેશ અને દિવ્યેશ, પુત્રી રેખાબેન, બહેન શાંતા તથા માતા જબુડીબેન વચ્ચે પડ્યા હતા. ફરિયાદ મુજબ, આરોપીઓએ તેમને પણ લાકડીઓથી માર માર્યો હતો. શાંતાબેનના કાન પાસે લાકડી વાગતાં તેમને ગંભીર ઈજા થઈ હતી.
ફરિયાદ મુજબ, પરિવારજનોને બચાવવા બૂમાબૂમ કરતાં સંદીપભાઈએ મનહરભાઈના માથાની ડાબી બાજુ ધારિયું માર્યું હતું. લોહી નીકળતાં તેઓ બેભાન થઈ ગયા હતા.
મનહરભાઈને તેમના પુત્રો અને પુત્રી સાથે લીમડીની નાયક ઓર્થોપેડિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અન્ય ઈજાગ્રસ્તોને પણ સારવાર આપવામાં આવી હતી, જ્યારે શાંતાબેન અને જબુડીબેનને ૧૦૮ મારફતે મીરાખેડી સરકારી દવાખાને ખસેડાયા હતા. મનહરભાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ શ કરી છે. તપાસ બાદ આરોપોની હકીકત સ્પષ્ટ થશે.