સરકારી આઇ.ટી.આઇ. ગોધરા ખાતે ૧૫મી જુલાઈએ મેગા રોજગાર ભરતીમેળો યોજાશે : ૬૦૦ થી વધુ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરાશે

પંચમહાલ, વડોદરા અને અમદાવાદ જીલ્લાના ૧૫ થી વધુ નામાંકિત નોકરીદાતાઓ ભાગ લેશે.

ધોરણ ૧૦, ૧૨, આઇ.ટી.આઇ, ડિપ્લોમા અને સ્નાતક પાસ યુવક-યુવતીઓ માટે રોજગારીની સુવર્ણ તક.

પી.એમ. ઇન્ટર્નશીપ અને પીએમ વિશ્ર્વકર્મા યોજના અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન અપાશે.

પંચમહાલ: શુક્રવાર પંચમહાલ જિલ્લાના બેરોજગાર યુવક-યુવતીઓને ખાનગી ક્ષેત્રમાં રોજગારી અને એપ્રેન્ટિસશીપની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના આશયથી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી પંચમહાલ અને સરકારી આઇ.ટી.આઇ ગોધરાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ: ૧૫ જૂલાઈ બુધવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરકારી આઇ.ટી.આઇ. ગોધરા (પ્રભા રોડ, ગોધરા-દાહોદ હાઇવે રોડ) ખાતે ‘જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો’ તેમજ ‘સ્વરોજગાર માર્ગદર્શન શિબિર’ યોજાશે. આ કાર્યક્રમ ડિજિટલ માધ્યમ જેવા કે અનુબંધમ પોર્ટલ અને એન.સી.એસ (NCS) પોર્ટલના સહયોગથી સંચાલિત કરવામાં આવશે.

આ ભરતીમેળામાં પંચમહાલ, વડોદરા અને અમદાવાદ જિલ્લાના ખાનગી ક્ષેત્રના ૧૫ થી વધુ નામાંકિત નોકરીદાતાઓ (કંપનીઓ) ઉપસ્થિત રહેશે. જેમાં ટેકનિકલ અને નોન-ટેકનિકલ ક્ષેત્રની ૬૦૦ થી વધુ જગ્યાઓ માટે સીધા ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોની વય મર્યાદા ૧૮ થી ૩૨ વર્ષની હોવી અનિવાર્ય છે. શૈક્ષણિક લાયકાતમાં એસ.એસ.સી (SSC), એચ.એસ.સી (HSC), આઇ.ટી.આઇ (ITI), ડિપ્લોમા તેમજ સ્નાતક (Graduate) લાયકાત ધરાવતા તમામ મહિલા અને પુરુષ ઉમેદવારો આ ભરતીમેળામાં ભાગ લઈ શકશે.

રોજગાર ભરતી ઉપરાંત, આ અવસરે વિવિધ સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા ‘સ્વરોજગાર માર્ગદર્શન શિબિર’નું પણ આયોજન કરાયું છે, જેમાં યુવાનોને પોતાના પગભર થવા અને નવા ઉદ્યોગ-સાહસ શરૂ કરવા માટેની લોન તેમજ સબસિડી યોજનાઓની માહિતી અપાશે. આ સાથે જ ભારત સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ જેવી કે પી.એમ. ઇન્ટર્નશીપ અને પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત આઉટરીચ કાર્યક્રમ યોજીને યુવાનોને તેની વિસ્તૃત સમજ અને લાભો વિશે માહિતગાર કરવામાં આવશે.

જિલ્લા રોજગાર કચેરી અને આઇ.ટી.આઇ ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લાના તમામ લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારોને આ સુવર્ણ તકનો લાભ લેવા અને નિયત સમયે પોતાના જરૂરી શૈક્ષણિક દસ્તાવેજો તથા બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.