સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને ભારતીય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણના ઉદ્દેશ સાથે યોજાઈસંસ્કૃત ગૌરવ યાત્રા

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના પ્રેરણાથી દાહોદ જનપદ પ્રશાસન તંત્ર તથા દાહોદ જનપદ-શિક્ષાધિકારી કચેરીના સંયુક્ત આયોજન હેઠળ સંસ્કૃત સપ્તાહ-મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના સંવર્ધન-સંરક્ષણ તેમજ સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસારના હેતુથી યોજાનારી આ ગૌરવ યાત્રા દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ દાહોદના છાબ તળાવ (તળાવ) ખાતેથી પ્રારંભ થઇ એમ. વાય. હાઈસ્કૂલ ખાતે આવીને પૂર્ણ થઇ હતી.

એમ. વાય. હાઈસ્કૂલના સભાગૃહ ખાતે સંસ્કૃત ભાષા ભારતીય જ્ઞાન, સંસ્કૃતિ અને પરંપરાનું સમૃદ્ધ વારસો અંગે નવી પેઢીમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ અને ગૌરવની ભાવના વિકસે તેવા હેતુથી કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શ‚આત કરવામાં આવી હતી. ત્યાર બાદ શાળાના વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં પ્રાર્થના રજૂ કરી હતી. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પ્રાસંગિક ઉદ્દબોધન થકી સૌને સંસ્કૃત ભાષાની મહત્વતા સમજાવી હતી.

સંસ્કૃત ગૌરવ યાત્રાના આ પ્રસંગે દાહોદ નગરપાલિકા પ્રમુખ, જીલ્લા શિક્ષણાધિકારી, શિક્ષણ નિરીક્ષક, અન્ય અધિકારીઓ, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.