સંખેડા-બહાદરપુર વચ્ચે ડાયવર્ઝન ધોવાતા ભારે વાહનો બંધ થતા વેપારીઓને મુશ્કેલીમાં

સંખેડા-બહાદરપુર વચ્ચે ઓરસંગ નદી ઉપર આવેલા ડાયવર્ઝનનું ધોવાણ થતાં ભારદારી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલ પુલ ઉપરથી માત્ર હળવા વાહનો તથા એસ.ટી. બસોની અવર-જવર ચાલુ રાખવામાં આવી છે, જેના કારણે વિસ્તારના વેપારીઓ માટે મોટી સમસ્યા સર્જાઈ છે.

પ્રશાસન દ્વારા ભારદારી વાહનો માટે ડભોઇ-કરણેટ તરફથી વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સંખેડા ખાતે સિમેન્ટ-સ્ટીલના વેપારીઓ, રેતી-કપચીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ તેમજ નમકીન સહિત વિવિધ માલસામાનની ટ્રકો ઉપર નિર્ભર વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારદારી વાહનો સીધા સંખેડા સુધી પહોંચી શકતા ન હોવાથી માલસામાનના પુરવઠા ઉપર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

વેપારીઓએ તંત્રને વહેલી તકે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા તથા અવરજવરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. ડાયવર્ઝનના ધોવાણ બાદ સર્જાયેલી પરિસ્થિતિને કારણે વેપાર-ધંધા ઉપર અસર જોવા મળી રહી છે અને વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.