સંજેલીમાં રખડતા ઢોરોનો આંતક ચરમ સીમાએ લોકોમાં ભારે રોષ

રખડતા આખલા નો મહિલા પર હુમલો: માથામાં સાત ટાંકા આવ્યા.

દાહોદ જીલ્લાના સંજેલી તાલુકા મથક એવા સંજેલી ગામે બસ સ્ટેશન નજીક રખડતા એક આખલાએ ડુંગરપુર ગામની એક મહિલા પર પહોંચીને હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેને સારવાર માટે તાત્કાલિક નજીકનીહોસ્પિટલમાં ખસેડતા માથાના ભાગે સાત જેટલા ટાંકા આવ્યાનું જાણવા મળ્યું છે. સંજેલી નગર અને આસપાસના વિસ્તારોમાં રખડતા ઢોરોનો આતંક દિન-પ્રતિદિન વધતો રહ્યો હતો અને હાલ તે આતંક ચરમસીમાએ પહોંચ્યો હોવાની પ્રતીતિ થઈ રહી છે. બસ સ્ટેશન પાસે આવેલી ડમ્પિંગ સાઈટ પર કચરાના ઢગલા ને કારણે રખડતા પશુઓનો ચોવિસે કલાક જમાવડો રહે છે. આ વિસ્તારમાં મંદિર, પેટ્રોલ પંપ અને હાઈસ્કૂલ હોવાથી દર્શનાર્થીઓ વાહનચાલકો તેમજ વિદ્યાર્થીઓ સહિત લોકોની ભારે અવર-જવર રહે છે. છેલ્લા એક અઠવાડિયાથી આ વિસ્તારમાં રખડતા ઢોરો દ્વારા લોકોને ઈજા પહોંચાડવાના કિસ્સાઓ નોંધાયા છે. અગાઉ શિલ્પન હાઈસ્કુલના વિદ્યાર્થીઓ અને બાઈક ચાલકોને પણ રખડતા આખલાઓએ અડફેટે લઈ ઘાયલ કર્યા હતા. ડુંગરપુર ગામના શીલાબેન પર્વતભાઈ ગતરોજ સંજેલી થી કામ પતાવી પરત ફરી રહ્યા હતા. ત્યારે તેઓ રખડતા ઢોરના હુમલાનો ભોગ બન્યા હતા. આ હુમલામાં શીલાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેઓને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓના માથાના ભાગે સાત ટાંકા લેવા પડ્યા હતા. તેઓને શરીરે પણ ઈજાઓ થવા પામી હતી. શીલાબેનના પતિ પર્વતભાઈએ રખડતા પશુઓના આતંકને કારણે લોકો ઈજાગ્રસ્ત થવા અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોએ રખડતા ઢોરોને પાંજરે પુરી આ સમસ્યાનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંજેલી ગ્રામ પંચાયતે એક અઠવાડિયા પહેલા રખડતા ઢોરોના માલિકોને દિન સાતમાં તેઓના પશુઓને બાંધી દેવા અથવા છૂટા ઢોરોને પાંજરાપોળમાં મોકલી દેવાનું માટેનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ આ અલ્ટીમેટમની રખડતા ઢોરોના માલિકો પર કોઈ અસર થઈ ના હોય તેમ લાગી રહ્યું છે. રખડતા ઢોરોના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી છે.