રોહિત શર્મા પાસે એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક છે, વનડે માં ઓપનર તરીકે ૧૦,૦૦૦ રન બનાવનાર માત્ર ચોથો ખેલાડી બનશે

ભારતીય ટીમ ૨૭ સપ્ટેમ્બરથી ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમશે, જેની પહેલી મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ વનડે શ્રેણીમાં જે ખેલાડીના પ્રદર્શન પર સૌથી વધુ નજર રહેશે તે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે ટીમમાં તેમનું સ્થાન હવે મુશ્કેલ બનશે, પરંતુ બીસીસીઆઇએ સ્પષ્ટતા કરી છે કે રોહિત ૨૦૨૭ ના વનડે વર્લ્ડ કપ સુધી ટીમ ઈન્ડિયાનો ભાગ રહેશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં, રોહિત શર્મા પાસે ઓપનર તરીકે એક મોટો સીમાચિહ્ન હાંસલ કરવાની તક હશે, જે અત્યાર સુધી આ ફોર્મેટમાં ફક્ત ત્રણ ખેલાડીઓએ હાંસલ કરી છે.

રોહિત શર્માને વનડે ફોર્મેટમાં મહાન બેટ્‌સમેનોમાંનો એક માનવામાં આવે છે અને હજુ પણ આ ફોર્મેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ ધરાવે છે. ઓપનર તરીકે, રોહિત પહેલાથી જ અનેક વનડે રેકોર્ડ તોડી ચુક્યો છે. હવે, તેની પાસે વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી વનડે શ્રેણીમાં ઓપનર તરીકે એક મોટો સીમાચિહ્ન હાંસલ કરવાની તક છે, જેના માટે તેને ફક્ત ૧૩૫ વધુ રન બનાવવાની જરૂર પડશે. રોહિતે અત્યાર સુધી ૨૦૧ વનડેમાં ઓપનિંગ બેટ્‌સમેન તરીકે ૫૪.૫ ની સરેરાશથી ૯,૮૬૫ રન બનાવ્યા છે. જા તે આગામી વનડે શ્રેણીમાં ૧૩૫ વધુ રન બનાવશે, તો તે વનડે ફોર્મેટમાં ઓપનિંગ બેટ્‌સમેન તરીકે ૧૦,૦૦૦ રનનો આંકડો પાર કરનાર ચોથો ખેલાડી બનશે, અને સચિન તેંડુલકર પછી આવું કરનાર એકમાત્ર ભારતીય ખેલાડી બનશે.

વનડેમાં ઓપનિંગ બેટ્‌સમેન તરીકે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ

સચિન તેંડુલકર (ભારત) – ૧૫૩૧૦ રન

સનથ જયસૂર્યા (શ્રીલંકા) – ૧૨૭૪૦ રન

ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) – ૧૦૧૭૯ રન

રોહિત શર્મા (ભારત) – ૯૮૬૫ રન

એડમ ગિલક્રિસ્ટ (ઓસ્ટ્રેલિયા) – ૯૨૦૦ રન

આ વનડે શ્રેણીમાં, રોહિત શર્મા પાસે ઓપનર તરીકે વધુ એક સીમાચિહ્ન હાંસલ કરવાની તક હશે. જીતના મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ઓપનિંગ બેટ્‌સમેન તરીકે નંબર-વન સ્થાન મેળવવા માટે તેને ફક્ત ૩૮ વધુ રનની જરૂર છે. રોહિત પાસે આ વનડે શ્રેણીમાં આ બંને સિદ્ધિઓ સરળતાથી હાંસલ કરવાની તક હશે.