
શહેરના કાલાવડ રોડ પર આવેલી પ્રતિષ્ઠિત કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષણ જગતને શર્મસાર કરતું એક મોટું આથક કૌભાંડ સામે આવ્યું છે. જ્યાં શાળામાં જ ફરજ બજાવતા સિનિયર સેક્રેટરીયટ આસિસ્ટન્ટ દ્વારા આચાર્ય અને અન્ય શિક્ષકની બોગસ સહીઓ કરી, સરકારી ચોપડે ખોટા ચેક અને એડવાઈઝરી સ્લીપ બનાવી કુલ રૂ. ૨૩,૮૩,૮૩૯ ની ઉચાપત કરવામાં આવતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ફરિયાદ નોંધાતા આરોપી સિનિયર સેક્રેટરીયટ આસિસ્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે આચાર્ય ગંગારામ મીણાએ આપેલી પોલીસ ફરિયાદમાં દર્શાવાયેલું છે કે, ગત તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ અમદાવાદ રિજનલ ઓફિસ દ્વારા તેમની કેન્દ્રીય વિદ્યાલય શાળાને જાણ કરવામાં આવી હતી કે, શાળાના બેંક ખાતામાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા છે. જેની તપાસ કરતા જાણવા મળ્યું કે, ઓક્ટોબર ૨૦૨૫માં જ પેઢીને ૧૧,૮૩,૮૩૯ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
ચોંકાવનારી વાત છે કે, આ પેઢીને શાળાએ કોઈ કામ સોંપ્યું ન હતું, કોઈ ટેન્ડર આપ્યું ન હતું કે કોઈ વર્ક ઓર્ડર પણ આપ્યો ન હતો. એપ્રિલ ૨૦૨૧થી ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં કુલ ૮ જેટલા પેમેન્ટ ખોટી પાર્ટીઓને ચૂકવી દેવામાં આવ્યા હતા. ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે, તેમની કેન્દ્રીય વિદ્યાલય શાળામાં સિનિયર સેક્રેટરીયટ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દેવેન્દ્ર ગણાત્રાએ કૌભાંડ આચર્યું છે.
આરોપી દેવેન્દ્ર ગણાત્રાએ શાળાના નાણાકીય વ્યવહારોમાં આચાર્ય ગંગારામ મીણા તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર ગૌતમ પરમારની ખોટી સહીઓ કરી હતી. દેવેન્દ્રએ બેંક ચેકો અને બેંક એડવાઈઝરી સ્લીપોમાં રકમ ભરી, તેને સાચી તરીકે બેંકમાં રજૂ કરી બારોબાર વ્યવહારો કરી નાખ્યા હતા. દેવેન્દ્રએ ચેકમાં છેડછાડ કરી અને બેંક એડવાઈઝરીમાં શિક્ષક ગૌતમ પરમારની બોગસ સહીઓ કરી કુલ રૂ. ૨૩.૮૩ લાખ ચાઉં કરી લીધા હતા.
આ સમગ્ર મામલે વિદ્યાલય પ્રબંધન કમિટીના અયક્ષ અને કલેકટરને જાણ કરાતા, તેમના આદેશ બાદ યુનિવસટી પોલીસે દેવેન્દ્ર ગણાત્રા જે પેઢીના ખાતામાં ૧૧ લાખથી વધુ રકમ ટ્રાન્સફર થઈ તે ’M/S PORTABLE CNF CONSULTANCY’સાથે શાળાને કોઈ જ લેવાદેવા ન હોવાનું ખુલ્યું છે. દેવેન્દ્ર ૨૦૨૧થી કટકે-કટકે સરકારી નાણાંની ઉચાપત કરતો હતો. પરંતુ ૨૦૨૫માં મોટી રકમ ઉપાડતા ભાંડો ફૂટ્યો હતો.
આ સમગ્ર મામલે આચાર્ય ગંગારામ મીણાની ફરિયાદના આધારે યુનિવસટી પોલીસે બીએનએસની કલમ ૩૩૭, ૩૩૮, ૩૩૯, ૩૪૦(૨), ૩૪૪, ૩૧૬(૫) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે દેવેન્દ્ર ગણાત્રા નામના સિનિયર સેક્રેટરીયટ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવનારા અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. તેવી માહિતી રાજકોટ એસીપી પશ્ર્ચિમ વિભાગ રાધિકા ભારાઈએ આપી હતી.