
ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રના એપી સેન્ટર ગણાતા રાજકોટ જિલ્લામાં સહકારી જગતમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પહેલાં અને ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદના રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ આપેલા નિવેદનોમાં વિરોધાભાસ જાવા મળતા અનેક ચર્ચાઓ શરુ થઈ છે. ચૂંટણી પહેલાં તમામ ઉમેદવારો ભાજપના જ કાર્યકર્તા હોવાનું કહેનાર રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ હાલ ‘વિજય સખીયા તથા નીતિન ચોવટીયાને ભાજપના કાર્યકર્તા ન હોવાનું’ અને ભાજપના વ્હીપનો અનાદર કરનારાઓ સામે પ્રદેશ કક્ષાની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે.’ તેવું કહેતા આ મામલે અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે.
રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રે જાડાયેલા સૂત્રોનું કહેવું છે કે, રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી સંદર્ભે અગાઉ જ્યારે સેન્સની પ્રક્રિયા લેવામાં આવી હતી. ત્યારે કુવાડવા જુથ બેઠક પરના ચારેય મતદાતાઓ દ્વારા અરવિંદ રૈયાણીની વિરુદ્ધમા સેન્સ આપવામાં આવી હતી. તેમ છતાં પાર્ટી દ્વારા અરવિંદ રૈયાણીની તરફેણમાં મતદાતાઓને મતદાન કરવા માટે વ્હિપ આપવામાં આવ્યો હતો. ત્યારે ભાજપના વ્હીપનો અનાદર કરનારાઓ સામે પ્રદેશ કક્ષાની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે.’ તેવું રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું નિવેદન સામે આવતા આ મામલે અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે.
લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીનાં પરિણામ જાહેર થતા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું. આગામી સમયમાં પાર્ટીની સુચના મુજબ વર્તન ન કરનારા ઉમેદવારો તેમજ મતદારો વિરુદ્ધ પ્રદેશ કક્ષાએથી સૂચના મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ તેમણે તમામ ઉમેદવારો ભાજપના જ કાર્યકર્તા હોવાનું કહ્યા બાદ, તાજેતરમાં ચૂંટણીના પરિણામ બાદ તેમને વિજય સખીયા તથા નીતિન ચોવટીયાને ભાજપના કાર્યકર્તા ન હોવાનું જણાવ્યું હતું, સાથે જ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં પણ મેન્ડેટ પ્રથા અમલમાં મૂકવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું, ત્યારે પરિણામ બાદ તેમના નિવેદનમાં ફેરફાર જાવા મળતા રાજકિય ચર્ચાનો દોર શરૂ થયો છે.
આ તરફ લોધિકા સંઘની ચૂંટણીમાં પરાજય બાદ અરવિંદ રૈયાણીએ પોતાની હાર સ્વીકારી હતી. તેમણે સરકાર દ્વારા આગામી સમયમાં બોર્ડ ડિરેક્ટરોની નિયુક્ત અંગે લેવાયેલા નિર્ણયને શિરોમાન્ય ગણવાની વાત કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “ચોક્કસથી હું ચૂંટણી હાર્યો છું તેની કબૂલાત કરું છું, પરંતુ વિરોધીઓને કહેવા માગું છું કે પગ વાળીને બેસવાનો નથી.” ત્યારે આગામી સમયમાં આવનારી રાજકોટ ડેરી, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ તેમજ રાજકોટ જિલ્લા બેંક સહિતની સહકારી સંસ્થાની ચૂંટણીમાં અરવિંદ રૈયાણી તેમજ પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજા ઝંપલાવે છે કે, કેમ તેના પર સૌની નજર રહેશે.
મહત્વનું છે કે, રાજકોટ લોધિકા સંઘના બોર્ડની જોગવાઈ મુજબ સરકારને પોતાના ત્રણ પ્રતિનિધિ ડિરેક્ટરની નિયુક્ત કરવાની સત્તા છે. જોકે, કાયદાકીય જાગવાઈ મુજબ ચૂંટણી લડેલા તેમજ હારી ચૂકેલા એક પણ વ્યક્તિને સરકાર પોતાના પ્રતિનિધિ ડિરેક્ટર તરીકે મૂકી શકતી નથી. જે નિયમના કારણે હાલ પૂરતા અરવિંદ રૈયાણી તેમજ પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાના ડિરેક્ટર તરીકેના દરવાજા રાજકોટ લોધિકા સંઘમાં બંધ થઈ ચૂક્યા છે. ત્યારે આગામી સમયમાં સરકાર પોતાના પ્રતિનિધિ ડિરેક્ટર તરીકે કયા ત્રણ વ્યક્તિની નિયુક્ત કરે છે તે જોવું રહ્યું.