કાલાવડ રોડ પર વડ વાજડી ગામ નજીક ટ્રક અને સ્કૂટર વચ્ચે થયેલા અકસ્માતમાં એક પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ છે. અકસ્માતમાં સ્કૂટર પર સવાર પતિ-પત્ની બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ત્યારે તેમની સાથે રહેલી બાળકી ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવમાં મોતને ભેટનાર યુવતી ચાર માસની ગર્ભવતી હોવાની માહિતી સામે આવી રહી છે, ત્યારે થોડા મહિનાઓ બાદ જ્યાં બાળકની કિલકારીથી ખુશીઓ છવાઈ જવાની હતી, ત્યાં હાલ મોતનો માતમ છવાયો છે.
મળતી વિગતો મુજબ, બુધવારે સાંજે આશરે સાત વાગ્યે મિતેષભાઈ પત્ની અને બાળકી સાથે એક્સેસ સ્કૂટર પર રાજકોટ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન વડ વાજડી ગામ નજીક ટ્રક સાથે સ્કૂટર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં પતિ-પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાળકી જીનલ ઇજાગ્રસ્ત થઈ હતી. એક જ અકસ્માતમાં પતિ-પત્ની અને કવિતાબેનના ગર્ભમાં ઉછરી રહેલા બાળકના મોતની કરુણ ઘટના પરિવાર માટે આઘાતજનક બની છે.
સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર મૃતક મહિલા ચાર માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની ઓળખ મિતેષભાઈ ગોવિંદભાઈ વાઘેલા, ઉંમર ૩૩ વર્ષ અને તેમનાં પત્ની કવિતાબેન વાઘેલા, ઉંમર ૨૫ વર્ષ તરીકે થઈ છે. બંને મૂળ કળછ (ધેડ) ગામના વતની હતા અને હાલ ખીરસરા રણમલજીના નવા પ્લોટ વિસ્તારમાં રહેતા હતા. મિતેષભાઈ ફેક્ટરીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
નોંધનીય છે કે, આ અકસ્માત દરમિયાન દંપતી સાથે તેમની બાળકી પણ બાઈક પર સવાર હતી. જેથી અકસ્માતમાં બાળકીને પણ ઈજાઓ પહોંચી છે. જેથી હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોક છવાયો છે. અકસ્માત અંગે મેટોડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રક અને સ્કૂટર વચ્ચે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.