કેન્સર જેવા ભયંકર રોગોથી બચવા માટેનો એક જ માત્ર ઉપાય એટલે પ્રાકૃતિક ખેતી: ખેડૂત દિનેશભાઈ બામણીયા
દાહોદ તાલુકાના ખરેડી ગામના ખેડૂત દિનેશભાઈ બામણીયા આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ વિવિધ સ્થળે તાલીમ લઈ છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. ખેતીમા તેઓ ઋતુ પ્રમાણે અલગ અલગ પાક અને સાથે શાકભાજીનું વાવેતર કરે છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારથી આજ દિવસ સુધી તેમણે રાસાયણિક ખાતર કે દવાનો ખેતીમાં ઉપયોગ કર્યો નથી. ખેતીમાં તેઓ ગાય આધારિત બનાવેલા આયામોનો ઉપયોગ કરે છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતીમાં ખર્ચ ઘટ્યો હોવાથી હાલ તેઓ વાર્ષિક 2 લાખથી વધુની આવક મેળવી રહ્યા છે.
ખેડૂત દિનેશભાઈ બામણીયા સાથે વાત કરતા તેઓએ પ્રાકૃતિક કૃષિ વિશેના અનુભવો અને પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદા વિશે જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી હું આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ પ્રાકૃતિક ખેતી કરૂં છું. જેમાં ઘઉં, ચણા, મકાઈ, ડાંગર, સોયાબીન સાથે અલગ અલગ શાકભાજી પણ કરૂં છું. મારા ઘરે હું પશુપાલન કરતો હોવાથી મારા માટે જીવામૃત અને ઘન જીવામૃત બનાવવું સરળ રહ્યું છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતીમાં થતો ખર્ચ ઘટ્યો છે અને આવકમાં વધારો થયો છે. સાથે જ પ્રાકૃતિક ખેતી પકવેલા અનાજ અને શાકભાજી અને ગુણકારી અને સ્વાદિષ્ટ છે.
આપણા બાપ-દાદાઓ પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજ ખાતા હતા અને તેઓ 100 વર્ષથી વધારે જીવન જીવતા હતા. તેઓનું સ્વાસ્થ્ય સારૂં રહેતું હતું, પણ જ્યારથી આપણે ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાનો પ્રયોગ શરૂ કર્યો, તેનાથી વધારે ઉપજ આવવા માંડી, એટલે લોકોએ વધુ પડતો રાસાયણિક દવા-ખાતરનો ઉપયોગ કરીને વિવિધ મોટા રોગોને આમંત્રણ આપ્યું છે. આજે ડાયાબિટીસ, હાર્ટ અટેક, કેન્સર, જેવા ભયંકર રોગો નાના બાળકો યુવાનોમા પણ સામાન્ય રીતે જોવા મળે છે. એટલે આ રોગોને રોકવા માટે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક ખેતી અત્યંત જરૂરી છે. એટલે દાહોદ જીલ્લાના તમામ ખેડૂતોને વિનંતી કરૂં છું કે, તમામ મિત્રો પ્રાકૃતિક ખેતી કરો અને આવનાર પેઢીને સ્વસ્થ અને તંદુરસ્ત રાખો.