પોર ગામના ખેડૂત સાથે ૨.૬૭ લાખની ઓનલાઈન ઠગાઈ, એપ અપડેટ બાદ ૧૦ ટ્રાન્ઝેક્શન

વડોદરા જિલ્લામાં ઓનલાઈન ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પોર ગામના એક ખેડૂતના બેંક ખાતામાંથી કુલ રૂ.૨,૬૭,૭૮૦ ઉપાડી લેવાયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ખેડૂત પોતાના મોબાઈલમાં બેંક ઓફ બરોડાની બીઓબી વર્લ્ડ એપ અપડેટ કરી રહ્યા હતા તે દરમિયાન સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

પોર ગામના પટેલ ફળિયામાં રહેતા વિમલભાઈ આશાભાઈ પટેલ (ઉંમર ૫૧ વર્ષ) ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ બેંક ઓફ બરોડાની પોર શાખાના ખાતાધારક છે અને છેલ્લા આશરે ત્રણ વર્ષથી મોબાઈલ ફોનમાં બેંકની બીઓબી વર્લ્ડ એપ’નો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારો કરતા હતા.

વિમલભાઈ પોતાના મોબાઈલમાં બીઓબી વર્લ્ડ એપ અપડેટ કરી રહ્યા હતા ત્યારે એપ્લીકેશન અચાનક બંધ થઈ ગઈ હતી. તેમને એપનો પાસવર્ડ યાદ ન હોવાથી તેઓ તેને ફરીથી ખોલી શક્યા નહોતા.આ દરમિયાન સતત ત્રણ દિવસ સુધી તેમના મોબાઈલ ફોન પર વારંવાર ઓટીપી આવતા રહ્યા હતા. જોકે, ફરિયાદ મુજબ તેમણે આ ઓટીપી કોઈ અન્ય વ્યક્તિ સાથે શેર કર્યા નહોતા.

થોડા સમય બાદ વિમલભાઈએ એપ્લીકેશનનો પાસવર્ડ બદલીને તેને ફરીથી શરૂ કરી હતી. એપમાં તપાસ કરતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે તેમના યુપીઆઇ આઇડી મારફતે કુલ ૧૦ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.આ ૧૦ ટ્રાન્ઝેક્શનના માધ્યમથી તેમના બેંક ખાતામાંથી કુલ રૂ.૨,૬૭,૭૮૦ ઉપાડી લેવામાં આવ્યા હતા.

ખાતામાંથી મોટી રકમ ઉપડી ગઈ હોવાનું ધ્યાનમાં આવતાં વિમલભાઈએ તાત્કાલિક પગલાં લીધાં હતાં. તેઓ બેંક ઓફ બરોડાની પોર શાખામાં પહોંચ્યા હતા અને પોતાનું બેંક એકાઉન્ટ બ્લોક કરાવી દીધું હતું. આ ઉપરાંત તેમણે સાયબર ફ્રોડ અંગેની ફરિયાદ માટે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

આ ઘટનાએ ફરી એકવાર ઓનલાઈન બેંકિંગ અને મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત સામે લાવી છે. કોઈ અજાણી વ્યક્તિ સાથે ઓટીપી યુપીઆઇ પીઆઇએન પાસવર્ડ કે બેંકિંગ સંબંધિત અન્ય ગુપ્ત માહિતી શેર ન કરવી જોઈએ. ખાતામાં કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જણાય તો તાત્કાલિક બેંકનો સંપર્ક કરી ખાતું સુરક્ષિત કરાવવું અને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ કરવી જરૂરી છે. પોર ગામના ખેડૂત સાથે બનેલી આ ઘટનાને લઈને સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાયા બાદ સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.