
ઉજ્જૈન દર્શન કરી પરત ફરી રહેલા ગોધરા અને શહેરા તાલુકાના 6 મિત્રોના કરુણ મોતથી પંચમહાલમાં શોકનો માહોલ
પંચમહાલ : ધાર-ઉજ્જૈન હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકાના છ યુવકોનાં કરુણ મોત નિપજ્યા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતમાં તમામ છ યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકાના છ મિત્રો ઉજ્જૈન ખાતે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન પૂર્ણ કરી તેઓ ઈકો કારમાં પરત ફરી રહ્યા હતા. દરમિયાન ધાર-ઉજ્જૈન હાઈવે પર સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેલર સાથે તેમની ઈકો કારની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ઈકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર છેય યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્મતમાં મૃત્યુ પામેલા તમામ યુવકો પંચમહાલ જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં શહેરા તાલુકાના ભુરખલ ગામના વિશાલસિંહ પરમાર, ગોધરાના મયુર દેવડા, ગોધરા તાલુકાના વેલવડ ગામના રાકેશ મકવાણા, ગોધરા તાલુકાના રતનપુર ગામના પરેશ પરમાર, ગોધરાના વિમલસિંહ સોલંકી અને ગોધરા તાલુકાના આંગડિયા ગામના દીપક બારીયાનો સમાવેશ થાય છે.
મળતી માહિતી અનુસાર, આ તમામ યુવાનો એક ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા હતા અને એકબીજાના મિત્રો હોવાનું જાણવા મળ્યું છે. ઉજ્જૈન દર્શન બાદ પરત ફરતી વખતે બનેલી આ દુર્ઘટનાએ છ પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.અકસ્મતમાં છ યુવાનોના મોતના સમાચાર પંચમહાલ જિલ્લાના તેમના વતન ગામો અને પરિવારજનો સુધી પહોંચતા શોકની લાગણી પ્રસરી ગઈ છે. પરિવારજનો માટે એકસાથે છ યુવાનોને ગુમાવવાની ઘટના અત્યંત આઘાતજનક બની છે.
અકસ્મતમાં ટ્રેલર રોંગ સાઈડમાં આવતું હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ વધુ વિગતો સામે આવશે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે વધુ તપાસ ચાલી રહી છે.પંચમહાલ જિલ્લાના છ યુવકોના અકાળે થયેલા અવસાનથી ગોધરા, શહેરા સહિત તેમના વતન વિસ્તારોમાં શોકનો માહોલ છવાયો છે
મધ્યપ્રદેશના બદનાવર પાસે ઉજ્જૈન થી પરત ફરી રહેલા ગોધરા ના યુવકોના મોત બાબતે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ અને ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીએ પાઠવી સાંત્વના
અકસ્માતમાં ગોધરા તાલુકાના 5 અને શહેરા તાલુકાના 1 યુવક મળી કુલ 6 યુવકોનું ઘટના સ્થળે થયું છે મોત
અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવકો ને તમામ પ્રકારની મદદ પહોંચાડવા માટે મધ્યપ્રદેશ પ્રશાસન સાથે સંપર્ક કરી જરૂરી સુચનાઓ અભય હોવાનું જણાવતા પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ
અકસ્માતમાં 6 યુવકોના મોત થયા હોવાના સમાચાર સાંભળી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું, તેમના પરિવારજનોને આ દુઃખની ઘડીમાં દુઃખ સહન કરવાની શક્તિ ઈશ્વર આપે તેવી પ્રાર્થના કરું છું : સી.કે.રાઉલજી