જિલ્લાના ઉમરાળા વિસ્તારમાંથી બે યુવતીઓને ભગાડી રાજ્ય બહાર લઈ જવાનો પ્રયાસ કરવાના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને માત્ર પાંચ કલાકમાં બંને યુવતીઓને સુરક્ષિત રીતે છોડાવી લીધી છે. આ કેસમાં બે વિધર્મી આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે છોડાવવામાં આવેલી યુવતીઓમાંથી એક સગીર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અપહરણ કરનાર બંને વિધર્મી યુવકો સણોસરા નજીક આવેલા ગઢુલા ગામના રહેવાસી છે. ઉમરાળા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. જોકે છેલ્લા છ મહિનામાં જિલ્લામાં આવા ૧૪ કિસ્સાઓમાં અન્ય ધર્મના યુવકો દ્વારા દીકરીઓના અપહરણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
યુવતીઓ ગુમ થયાની જાણ થતાં તેમના પરિવારજનોએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા જાતા ઉમરાળા પોલીસ, ભાવનગર એલસીબી, એસઓજી અને બરવાળા પોલીસની સંયુક્ત ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનીકલ સર્વેલન્સ અને ક્રાઇમ બ્રાન્ચની મદદથી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી.
પોલીસે અન્ય જિલ્લામાંથી બંને યુવતીઓને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી. આ સાથે બે વિધર્મી આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ મેહબૂબ પઠાણ અને મુસ્તુફા પઠાણ તરીકે થઈ છે. બંને સગા ભાઈઓ હોવાનું અને ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મેહબૂબ પઠાણ સામે અગાઉ પણ એક યુવતીને ભગાડી જવાનો ગુનો નોંધાયો હતો. તે કેસમાં જામીન પર છૂટ્યા બાદ ફરી તે જ યુવતીને ભગાડવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હવે તેના જામીન રદ કરાવવા માટે પણ કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, પીડિત યુવતીઓ અને બંને આરોપીઓ ભાવનગર-રાજકોટ હાઈવે પર આવેલા દોરી બનાવવાના એક કારખાનામાં સાથે મજૂરી કામ કરતા હતા. ત્યાંથી પરિચય થયા બાદ આરોપીઓએ લગ્નની લાલચ આપી બંને યુવતીઓને સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ડીવાયએસપી જે. એચ. દહિયાએ જણાવ્યું કે સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.