
પંચમહાલ જીલ્લાના સરકારી વિભાગોમાં કર્મચારીઓની ભારે અછત વર્તાઈ રહી છે. ખાસ કરીને વહીવટી અને હિસાબી કામગીરી સંભાળતા જુનિયર ક્લાર્કની મોટાભાગની જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. આના કારણે સરકારી કામકાજની ગતિ ધીમી પડી છે અને સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે.
જીલ્લામાં વહીવટી તંત્રના પાયાના ગણાતા વર્ગ-૩ના મહેકમમાં જુનિયર ક્લાર્કની કુલ ૧૩૩ જગ્યાઓ મંજૂર થયેલી છે. તેમાંથી હાલ માત્ર ૪૦ જગ્યાઓ ભરેલી છે, જ્યારે ૯૩ જગ્યાઓ ખાલી પડી છે. આ આંકડો કુલ જગ્યાઓના ૬૫% થી વધુ છે.
આ પરિસ્થિતિને કારણે, ૧૩૩ કર્મચારીઓનું કામ હાલ માત્ર ૪૦ હંગામી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે વર્તમાન સ્ટાફ પર કામનું ભારણ અસહ્ય બન્યું છે. મહેસૂલી, વહીવટી અને હિસાબી વિભાગમાં કામોનો નિકાલ સમયસર ન થતા નાગરિકોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે.
પંચમહાલ જીલ્લામાં જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગ (ૠઙજઈ)ને માંગણી પત્રક મોકલવામાં આવ્યું છે. હવે સરકાર દ્વારા નવી ભરતી પ્રક્રિયા ક્યારે હાથ ધરવામાં આવે છે અને આ ખાલી જગ્યાઓ ક્યારે ભરવામાં આવે છે, તે જોવું રહ્યું.