
પંચમહાલ જિલ્લામાંથી પસાર થતાં દિલ્હી-મુંબઈ એકસપ્રેસ હાવે પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. સુવિધા અને ઝડપ માટે કરોડોના ખર્ચે તૈયાર થયેલો આ કોરિડોર હાલ વાહનચાલકો માટે જાનલેવા સાબિત થઈ રહ્યો છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે રસ્તા પર જોખમી સ્ટંટ કરતા નબીરાઓનો એક વીડિયો સોશિલય મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં કાર ચાલક એકસપ્રેસ હાઈવે પર અત્યંત પુરઝડપે કાર હંકારી તેને જોખમી રીતે ડોલાવી ડ્રાઈવિંગ કરી રહ્યો છે. અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકતા આ પ્રકારના સ્ટંટ જ અકસ્માતનુ મુખ્ય કારણ બની શકે છે. અગાઉ પણ આ જ રસ્તે આવા સ્ટંટને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, એકસપ્રેસ વે પર અકસ્માતની તિવ્રતા ભયાનક છે કે, છેલ્લા માત્ર ૧૦ દિવસમાં કુલ ૮ લોકોના મોત નીપજયાં છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ રોડ પર કોઈપણ પ્રકારની અડચણ નહિ આવે તેવા મોટા દાવા કરવામાં આવ્યા હતા. જોકે વાસ્તવિકતા કઈંક અલગ જ છે. હાઈવે પર રખડતા શ્ર્વાનોનુ ટોળુ પણ જોવા મળી રહ્યુ છે. જે હાઈસ્પીડ પર જતાં વાહનો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.