નેપાળની યુવતી અમદાવાદના કૃષ્ણનગરના શ્યામલપાર્કમાં ગળેફાંસો ખાઈ મોતને ભેટી

નેપાળની યુવતીને સોશિયલ મીડિયા મારફતે તેના ગામની નજીકમાં રહેતા એક યુવક સાથે સંપર્કમાં આવવું ભારે પડ્યું છે. યુવક અને યુવતી નેપાળથી ભાગીને અમદાવાદમાં રહેવા આવ્યા હતા. જો કે હજી બે મહિના જેટલો પણ સમય થયો ન હતો અને યુવતીએ આત્મહત્યા કરી છે. યુવતીના પિતાએ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ શ્યામલપાર્કમાં ૧૫મી મેના દિવસે મૂળ નેપાળની રહેવાસી એક યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. બનાવની જાણ યુવતીના માતા-પિતાને કરતા તેઓ પણ નેપાળથી અમદાવાદ પહોંચ્યા હતા. યુવતી જે યુવક સાથે અમદાવાદમાં રહેતી હતી તે યુવકના શારીરિક અને માનસિક ત્રાસથી તેણે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરતા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી આરોપી ચેતન બોહરાની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી યુવક ચેતન બોહરા અને યુવતી બન્ને નેપાળના રહેવાસી છે. જો કે તેઓ નેપાળથી ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ અમદાવાદ આવ્યા હતા અને કૃષ્ણનગર ખાતે રહેતા હતા. જ્યારે ચેતન અહીં છૂટક મજૂરી કામ કરતો હતો. શરૂઆતના સમયમાં ચેતન યુવતીને સારી રીતે રાખતો હોવાની જાણ તેના માતા-પિતાને કરી હતી. પરંતુ ૫ મેના દિવસે યુવતીએ તેના પિતાને ફોન કરીને જાણ કરી હતી કે તેને હેરાન-પરેશાન કરે છે. બહાર પણ જવા દેતો નથી કે કોઈ સંબંધીને પણ મળવા દેતો નથી. હાલમાં પોલીસે આરોપી ચેતન બોહરાની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.