મહેસાણામાં શિક્ષિકા ડમ્પર નીચે કચડાઇ; ગાંધીનગર અને સુરતમાં પણ અકસ્માત

મહેસાણાના પાંચોટ બાયપાસ સર્કલ નજીક આજે સવારે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. રોજની જેમ પોતાની ફરજ પર જવા નીકળેલી એક શિક્ષિકાને બેફામ ગતિએ આવી રહેલા એક ટ્રેલરે અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે શિક્ષિકા ટ્રેલરના તોતિંગ વ્હીલ નીચે કચડાઈ ગઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જ્‌યા બાદ ચાલક પોતાનું ટ્રેલર ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મહેસાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગાંધીનગરમાં આવેલી ગુજરાત નેશનલ લા યુનિવર્સિટી નજીક વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં રોડ પર બેફામ દોડતા એક ડમ્પર ચાલકે એક્ટીવા સવાર બે લોકોને અડફેટે લીધા હતા. જોકે, સદનસીબે એક્ટિવા ચાલક અને પાછળ બેઠેલી વ્યક્તિની સમયસૂચકતા અને ત્વરિત નિર્ણય શક્તિક્તને કારણે બંનેનો આબાદ બચાવ થયો હતો.

સુરતના વ્યસ્ત ગણાતા વરાછા રોડ બ્રિજ પર આજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પેસેન્જર ભરીને જઈ રહેલી એક રિક્ષાનું ચાલુ મુસાફરીએ અચાનક વ્હીલ નીકળી ગયું હતું. વ્હીલ નીકળી જતાં રિક્ષા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને રિક્ષા સીધી ડિવાઈડર સાથે અથડાઈને રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મુસાફરને ગંભીર ઈજાઓ પહોંચી હતી.સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્ત મુસાફરને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.