
મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ જીવલેણ કેસ સામે આવ્યો છે. બહુચરાજી તાલુકાના દેલવાડા ગામની એક બાળકીનું વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.
મળતી માહિતી મુજબ દેલવાડા ગામની દ્વારિકા જીગરગીરી ગોસાઈ નામની બાળકીમાં ૨૬ જુલાઈના રોજ અચાનક તાવ અને ઉલટી જેવા લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ પરિવારજનોએ તેને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. બાળકીના લક્ષણો ચાંદીપુરા વાયરસ જેવા જણાતા આરોગ્ય વિભાગ દ્વારા તેના લોહીના નમૂના ગાંધીનગરની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

લેબ રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થયા બાદ બાળકીને વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જાકે, તબીબોની સતત સારવાર અને પ્રયાસો છતાં ૨૮ જુલાઈની મોડી રાત્રે બાળકીનું મોત થયું હતું.
બાળકીના મોત બાદ આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. તાલુકા આરોગ્ય અધિકારી ડા. કૌશિક ગજ્જરના માર્ગદર્શન હેઠળ દેલવાડા ગામમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય ટીમ દ્વારા બાળકીના ઘર સહિત ગામના ૨૫૦થી વધુ ઘરોમાં ડોર-ટુ-ડોર તપાસ હાથ ધરવામાં આવી છે.વાયરસના સંક્રમણને અટકાવવા માટે ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ, દીવાલો પર ઇન્સેકટીસાઈડ સ્પ્રેઇંગ સહિતની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
દરમિયાન દેલવાડા ગામના સરપંચ ગોવિંદસિંહ સોલંકીએ ગ્રામજનોને સતર્ક રહેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે બાળકોમાં અચાનક તાવ, ઉલટી, ચક્કર આવવા કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જરૂરી છે, જેથી સમયસર સારવાર મળી શકે