મહેસાણા ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પૂર્વ ઉપપ્રમુખ સહિત ૫ નેતાઓ ૬ વર્ષ માટે સસ્પેન્ડ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના પડઘમ શાંત થતાની સાથે જ મહેસાણા જિલ્લા ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે ભાજપે લાલ આંખ કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોરે શિસ્તભંગના પગલે પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ જગદીશ પટેલ સહિત ૫ મોટા ગજાના નેતાઓને ૬ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેતા રાજકારણ ગરમાયું છે.

મહેસાણામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પક્ષના સત્તાવાર ઉમેદવારોને નુકસાન પહોંચાડવા અને સંગઠનની વિરુદ્ધ જઈને કામ કરવાના ગંભીર આક્ષેપો આ નેતાઓ પર લાગ્યા હતા. પક્ષના આદેશોનું ઉલ્લંઘન કરી ગેરશિસ્ત આચરનાર આ નેતાઓને સંગઠને સક્રિય સભ્યપદેથી તાત્કાલિક અસરથી દૂર કર્યા છે.

ભાજપ દ્વારા જે ૫ આગેવાનો પર ગાજ પડી છે, તેમાં જિલ્લાના જાણીતા ચહેરાઓનો સમાવેશ થાય છે, જેમાં જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જગદીશ એમ. પટેલ (ખેરવા) અને એપીએમસી ઉનાવાના ડિરેક્ટર સુરેશ ડી. પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખેરાલુ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી દિનેશ ચૌધરી અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પરેશ જે. પટેલ સામે પણ શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે, જ્યારે સક્રિય સભ્ય હોવા છતાં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવા બદલ કલ્પેશ કે. પટેલ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.

શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષે આ કાર્યવાહી દ્વારા કાર્યકરો અને નેતાઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે પક્ષની વિચારધારા સાથે વિશ્વાસઘાત કરનાર કોઈપણ વ્યક્તિને સહન કરવામાં આવશે નહીં. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે સંગઠન વિરુદ્ધ જઈને અપક્ષ કે વિરોધ પક્ષને મદદ કરનારાઓ સામે હજુ પણ બાજ નજર રાખવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં વધુ નેતાઓ પર કાર્યવાહીની શક્્યતા છે.