એક તરફ અમદાવાદમાં ૨૦૩૦માં કોમનવેલ્થ યોજવાની મંજૂરી મળતા સૌ ગુજરાતીઓમાં હરખની હેલી પ્રસરી છે. અમદાવાદમાં કોમનવેલ્થ તો યોજાશે પણ શું તેમાં ગુજરાતના ખેલાડીઓ હશે ખરા? આ સવાલ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કારણ કે, ૨૦૦૯થી ગુજરાતની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં સ્પોર્ટ્સ ટીચરની ભરતી થતી નથી હોવાનો આક્ષેપ શાળા સંચાલક મંડળે કર્યો છે અને રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ ૮૦ ટકા શાળાઓમાં હાલ એક પણ સ્પોર્ટ્સ ટીચર નથી. ત્યારે કોમનવેલ્થ અને ઓલમ્પિક માટે ગુજરાતમાંથી ખેલાડીઓ તૈયાર કરવા વ્યાયામના શિક્ષકોની ભરતીની માગ ઊઠી છે.
રાજ્યના શાળા સંચાલક મંડળના ભાસ્કર પટેલે આ મામલે જણાવ્યું છે કે, અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ યોજાય તે ગૌરવ લેવા જેવી બાબત છે. પણ સાથે સાથે એ પણ હકીક્ત છે કે ૮૦ ટકા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વ્યાયામના ટીચર જ નથી. પહેલા ગુજરાતમાં દરેક સ્કૂલમાં એક વ્યાયામના શિક્ષક ફરજિયાત લેવામાં આવતા હતા. દરેક વર્ગમાં ચાર તાસ અને આખી સ્કૂલમાં બે ક્લાસ દર શનિવારે સામૂહિક કવાયતના મળતા એટલે ૬ તાસ મળતા હતા. ૨૦૦૯થી ગુજરાતની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં સ્પોર્ટ્સ ટીચરની ભરતી થતી નથી. પહેલા સીપીએડ થયેલો ગેમ્સ ટીચર લેવાતા હતા પછી ડીપીએડ લેવાતા હતા હવે બીપીએડ અને એમપીએડ થઈ ગયા આટલી બધી સારી લાયકાતવાળા શિક્ષકો હોવા છતાં સરકાર આ શિક્ષકો લેતી નથી. કોમનવેલ્થ ગેમ્સ આવવાની છે આવી બધી રમતોમાં નિર્ણાયકો જોઇશે ભવિષ્યમાં ઓલમ્પિક આવવાની છે એમાં પણ નિર્ણાયકો જોઈશે. જો ગેમ્સ ટીચર જ નહીં હોય તો નિર્ણાયકો આ રમતોમાં કેવી રીતે આપી શકીશું.
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ગેમ્સ અહીંયા થશે બહારના ખેલાડીઓ અહીં રમવા આવશે પણ ગુજરાતના છોકરાઓ જ તેમાં ભાગ નહીં લઈ શકે કારણ કે સ્પોર્ટ્સ ટીચર જ નથી. આવા કેસમાં સ્પોર્ટ્સ ટીચર આપવા મુખ્યમંત્રીને રજૂઆત ભલે બે સ્કૂલ વચ્ચે અને પાર્ટ ટાઈમ આપે તેવી માગ છે આજની તારીખમાં ૭૬૦૦ ગ્રાન્ટેડ શાળાઓ છે તેમાં માંડ ૨૦ ટકા શાળાઓમાં સ્પોર્ટ્સ ટીચર છે ૮૦ ટકા શાળાઓમાં સ્પોર્ટ્સ ટીચર હતા જે રીટાયર્ડ થઈ ગયા, ગુજરી ગયા કે રાજીનામું આપી પરદેશ ચાલી ગયા માત્ર ૨૦ ટકા શાળાઓમાં સ્પોર્ટ્સ ટીચર છે આ એવી શાળાઓ છે જ્યાં મેદાન જ નથી જ્યાં સ્પોર્ટ્સ ટીચર છે ત્યાં મેદાન નથી જ્યાં મેદાન છે ત્યાં સ્પોર્ટ્સ ટીચર નથી. ત્યારે કોમનવેલ્થ અને ઓલમ્પિક માટે ગુજરાતમાંથી ખેલાડીઓ તૈયાર કરવા વ્યાયામના શિક્ષકોની ભરતીની માંગ ઊઠી છે.