શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ક્રાઈમ બ્રાન્ચે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. થોરાળા વિસ્તારમાં વર્ષોથી આતંક મચાવતી શામજી મક્કા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેંગના મુખ્ય સૂત્રધાર શામજી મક્કાની ધરપકડ બાદ હવે ફરાર બે વધુ આરોપીઓને પણ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.
રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સક્રિય શામજી મક્કા ગેંગ સામે ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ગત સપ્તાહે ગેંગના મુખ્ય સૂત્રધાર શામજી મક્કાને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. હવે ક્રાઈમ બ્રાન્ચે ફરાર હરેશ ખીમસુરીયા અને રોહિત રાઠોડની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓ વિરુદ્ધ ખૂન, ખૂનની કોશિશ સહિતના ગંભીર ગુનાઓ મળી કુલ ૩૮ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા મુજબ ગેંગ દ્વારા વર્ષ ૨૦૧૬થી ૨૦૨૫ દૃરમિયાન સંગઠિત ગુનાહિત સિન્ડિકેટ બનાવી ખૂન, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, ગંભીર ઇજાઓ પહોંચાડવી, ગેરકાયદૃેસર મંડળી બનાવી હુમલા કરવા તેમજ સરકારી કર્મચારીઓની ફરજમાં કાવટ કરવાના ગુનાઓ આચરવામાં આવ્યા હતા.
છેલ્લા દસ વર્ષમાં ગેંગના સભ્યો વિરુદ્ધ ૩૭ જેટલા ગુનાઓ નોંધાયા છે, જેમાંથી ૨૨ ગુનાઓ ગંભીર પ્રકારની શ્રેણીમાં આવે છે. આ કેસમાં અગાઉ દૃેવસી મકવાણા, દિલીપ ઉર્ફે દિલો ચૌહાણ, ચિરાગ ઉર્ફે ભયલુ મકવાણા, કિરણ ખીમસુરીયા, અજય જાદવ, ગૌતમ ઉર્ફે ગોગો બારૈયા, નાગેશ ઉર્ફે લાલુ મકવાણા અને મેહુલ સોલંકી સહિત કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે ગેંગની ગેરકાયદૃેસર રીતે ઉભી કરવામાં આવેલી મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી પણ શ કરવામાં આવી છે.