
મતભેદ વગરની રાજનીતિ અને વિકાસલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી કાલોલ નગરપાલિકા કાલોલ નગરપાલિકાના વોર્ડ નં. ૪ માં વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા જાહેર માર્ગનું કામ પૂર્ણ થતાં સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાગ્યોદય સોસાયટીથી વૃંદાવન સોસાયટીના ઢાળ સુધી, હાઈવેને જોડાતા મહત્વપૂર્ણ જાહેર માર્ગનું ગુણવત્તાયુક્ત CC રોડનું કામ પૂર્ણ થયું છે.
આ માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી ખાડાઓ અને બિસ્માર હાલતના કારણે સ્થાનિક રહીશો તેમજ આ માર્ગ પરથી રોજિંદી અવરજવર કરતા વાહનચાલકો માટે ભારે મુશ્કેલીનું કારણ બન્યો હતો. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષથી આ સમસ્યા વધુ ગંભીર બની હતી. સ્થાનિક લોકોની લાંબા સમયથી ચાલતી આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડ નં. ૪ના કાઉન્સિલરો. હર્ષદપુરી ગોસાઈ, મીનાબેન કે. સુથારીયા,સાયરાબીબી કાનોડિયા તથા અબ્દુલસલામ કોસિયા તેમજ નિલેશ સુથારીયા, અબ્દુલસલામ કાનોડિયા દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી.
કાઉન્સિલરો દ્વારા માત્ર રજૂઆત પૂરતી જ નહીં પરંતુ રોડનું કામ શરૂ થયા બાદ પણ સતત સ્થળ પર દેખરેખ રાખી રોડની ગુણવત્તા, મજબૂતી તથા કામ યોગ્ય રીતે થાય તે અંગે સતત તકેદારી રાખવામાં આવી હતી.રોડના કામમાં પણ ગુણવત્તાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ટેન્ડર મુજબ ૮ ઇંચનું ખોદાણ કરી ૪ ઇંચ PCC તથા ત્યારબાદ રોડના લેવલ મુજબ ૪ થી ૫ ઇંચ Final CC કરવામાં આવ્યું છે. આ રીતે લાંબા સમય સુધી ટકી શકે અને વાહનવ્યવહારને અનુકૂળ રહે તેવો મજબૂત રોડ તૈયાર કરવામાં આવ્યો છે.આ વિકાસકાર્યને સાકાર કરવામાં સહયોગ તથા માર્ગદર્શન આપવા બદલ કાલોલ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના સભ્યો, ધારાસભ્ય તથા સાંસદનો વોર્ડ નં. ૪ના કાઉન્સિલરો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.વર્ષોથી ચાલતી સમસ્યાનો અંત આવી મજબૂત અને ગુણવત્તાયુક્ત રોડ મળતાં વોર્ડ નં. ૪ના રહીશોમાં ખુશીનો માહોલ છે અને આગામી સમયમાં પણ વોર્ડની અન્ય પ્રાથમિક સમસ્યાઓના નિરાકરણ માટે સતત પ્રયત્નો ચાલુ રાખવાની ખાતરી કાઉન્સિલરો દ્વારા આપવામાં આવી છે.