કાલોલ બસ સ્ટેન્ડ પાસે ગાડીમાં આગ ગાડીમાં સવાર વ્યક્તિઓનો આબાદ બચાવ

કાલોલ શહેરમાંથી પસાર થતા હાલોલ-શામળાજી ટોલ હાઈવે સ્થિત પરપ્રાંતિય કાર સળગી ઉઠી હતી. ગાડીમાં સવાર પરપ્રાંતિય પરિવાર સમયસર ગાડીમાંથી બહાર નીકળી જતાં તમામનો આબાદ બચાવ થયો હતો.

મઘ્યપ્રદેશનો એક પરિવાર પોતાની ગાડીમાં શક્તિપીઠ પાવાગઢ જવા માટે નીકળ્યો હતો. જેઓ કાલોલમાંથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન અચાનક તેમની ગાડીમાંથી ધુમાડો નીકળતા હોવાનુ ઘ્યાને આવતા ઈકો ગાડીના ચાલકે સમયસર બસ સ્ટેશન સામે આવેલ પેટ્રોલપંપ સામે સાઈડમાં ઉભી કરી દીધી હતી. ગાડીમાં સવાર પરિવારને બહાર કાઢી સલામત સ્થળે ખસેડી લીધો હતો. જે બાદ ધુમાડો વધી આગનુ સ્વરૂપ ધારણ કરી લેતા જવાળાઓ ભભુકી ઉઠી હતી. હાઈવે સ્થિત રોડ પર સર્જાયેલી ધટનાને પગલે સ્થાનિકોએ કાલોલ પાલિકાના ફાયર બિગ્રેડને જાણ કરતા ફાયરબિગ્રેડની ટીન ધટના સ્થળે પહોંચી અગ્નિશામક ફોગનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સમગ્ર ધટના દરમિયાન બસ સ્ટેશન નજીક રોડ પર તૈનાત ફરજ પરના ટ્રાફિક જવાનોએ સમયસર ટ્રાફિક બ્લોક કરી દેતા પરિસ્થિતિ સત્વરે કાબુમાં આવી હતી.