કદવાલના ભીખાપુરા ગામે લાખોના ખર્ચે બનાવેલ પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન

કદવાલ તાલુકાના ભીખાપુરા ગામના નાયકા ફળિયામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે.

ગ્રામજનોને પીવાનુ શુદ્ધ પાણી સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુથી લાખો ‚પિયાના સરકારી ખર્ચે પાણીની વિશાળ ટાંકી બનાવી હતી. ટાંકી બની ગયા બાદ ગ્રામજનો સુધી પાણી પહોંચ્યુ ન હોવાથી પાણીની ટાંકી માત્ર શોભાના ગાંઠિયા સમાન હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સરકાર દ્વારા આંતરિયાળ વિસ્તારો સુધી પાણી પહોંચાડવા માટે કરોડો રૂપિયાની યોજનાઓ અમલમાં મુકી રહી છે. પરંતુ ભીખાપુરાના નાયકા ફળિયામાં પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. લાખો રૂપિયાના આંધણ છતાં મહિલાઓને પુવાનુ પાણી મેળવવા દુર દુર સુધી ભટકવુ પડી રહ્યુ છે. જો લોકોને પાણી માટે વલખા જ મારવા પડતા હોય તો લાખો રૂપિયાનો ખર્ચ કરી ટાંકી બનાવવાનો હેતુ શુ…? તેવો સ્થાનિકોનો પ્રશ્ર્ન છે. ટાંકી કાર્યરત ન હોવા પાછળ પાઈપલાઈનોનુ જોડાણ છે કે પછી મોટર કે વીજ કનેકશનમાં ખામી છે કે કોઈ અન્ય ટેક્નિકલ ખામી છે તે અંગે મોૈન સેવી રહ્યુ છે. પાણી જેવી મુળભુત સુવિધાથી વંચિત ગ્રામજનોએ માંગ કરી છે કે, જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કરે અને તેમાં રહેલી ખામીઓ દુર કરે સાથે પાણીની ટાંકીના નિર્માણ ખર્ચ અને તેની ગુણવત્તા અંગે તટસ્થ તપાસ તેવી માંગ ઉઠી છે.