દે.બારીઆ સિવિલ હોસ્પિટલના રૂ.૪૦ હજારની લાંચ કેસમાં તબીબી અધિક્ષકના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર

દે.બારીઆ તાલુકા મથકે આવેલા જે.એસ.ચોેહાણ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકના રૂ.૪૦,૦૦૦ ના લાંચ કેસમાં તબીબી અધ્યક્ષને નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે.

દે.બારીઆ તાલુકા મથકે આવેલ જે.એસ.ચોૈહાણ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રહિમભાઈ ઈબ્રાહિમભાઈ મેમણ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ડિસ્ટ્રિકટ રેસીડેન્સી પ્રોગ્રામ હેઠળ કુલ ૮ વિદ્યાર્થીઓની નિમણુંક કરી હતી. આ વિદ્યાર્થીઓને સારી ડ્યુટી ફાળવવા તેમજ નોકરી દરમિયાન હેરાન નહિ કરવા પ્રતિ વિદ્યાર્થી લેખે ૫ હજાર એમ કુલ ૮ વિદ્યાર્થીઓના રૂ.૪૦ હજારની લાંચની માંગણી કરી હતી. તે લાંચની રકમ વિદ્યાર્થીઓ આપવા માંગતા ન હોય ગાંધીનગર એસીબીને જાણ કરતા તબીબી અધિક્ષક ડો.રહિમ ઈબ્રાહિમ મેમણનુ છટકું ગોઠવ્યુ હતુ. છટકામાં તબીબ અધિક્ષક ડો.મેમણ વિદ્યાર્થીઓ પાસેથી તેના સરકારી રહેણાંક કવાર્ટર નં.-૫માં લાંચની રકમ રૂ.૪૦,૦૦૦ લેવા જતા રંગે હાથે ગાંધીનગર એસીબીએ દબોચ્યો હતો. તે બાદ ડો.મેમણને દાહોદ એસીબીને તપાસ સોંપતા તેને કોર્ટમાં રજુ કરાતા નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપતા હાલ એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.