આણંદના ૫ મિત્રો કારથી રાજસ્થાનથી પરત ફરતા કડાણા-સંતરામપુર માર્ગ પર કાર ઝાડ સાથે અથડાતા કારમાં સવાર બે મિત્રોના ધટના સ્થળે જ મોત નીપજયાં હતા. જયારે ત્રણ મિત્રોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ગોધરા રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ પોલીસને કરવામાં પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી હતી.
કડાણા-સંતરામપુર માર્ગ પર એક ગમખ્વાર અકસ્માતની ધટના બની હતી. રાજસ્થાનથી પરત ફરી રહેલા આણંદના પાંચ મિત્રો સવાર હતા. તે આઈ-૨૦ કારના ચાલકે અચાનક સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અને બાજુમાં આવેલ ખેતરમાં પલ્ટી મારી હતી. બપોરના સમયે થયેલા આ અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, કારમાં સવાર પાંચ લોકોમાંથી બે વ્યક્તિઓના ધટના સ્થળે જ મોત નીપજયાં હતા. જયારે ધાયલ થયેલા અન્ય ત્રણ મિત્રોને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં તેની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે ગોધરા રિફર કરવામાં આવ્યા હતા. ધટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ધટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનને ખસેડી ટ્રાફિક હળવો કર્યો હતો.