અકસ્માત ઝોન ગણાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૫૬ પર બોડેલી તાલુકાના જબુગામ ગામના પ્રવેશ માર્ગ ઉપરનું સાંકડું નાળું હાલ અકસ્માતનું કારણ બની શકે તેવી સ્થિતિમાં છે.
વડોદરા-છોટાઉદેપુર હાઈવે પર જબુગામના પ્રવેશના કોતરની ઉપર નાળાની બાજુમાં લગાવવામાં આવેલી સેફ્ટી એંગલો છેલ્લા ઘણાં દિવસોથી તૂટેલી હાલતમાં છે. વાહનચાલકો માટે તે જોખમી બની છે. અકસ્માત સર્જાઈ શકે છે. નાળાની બંને બાજુએ ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરાના કારણે રસ્તાની દૃશ્યતા પણ ઓછી થઈ ગઈ છે. પરિણામે વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ પ્રાથમિક શાળામાં જતા નાના બાળકો જીવના જોખમે પસાર થાય છે. હાઈવે પરના આ મુખ્ય માર્ગ પર રાત-દિવસ નાના-મોટા વાહનોની અવરજવર રહે છે. રેતી ભરેલા હાઈવા, ડમ્પરો, ટ્રેલરો પણ સેંકડોની સંખ્યામાં પસાર થાય છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં સંબંધિત તંત્ર દ્વારા નાળાને પહોળું કરવામાં આવે. નવી સેફ્ટી એંગલ લગાવવામાં આવે. ઝાડી-ઝાંખરાને તાત્કાલિક દૂર કરવાની કામગીરી હાથ ધરાય. વાહનચાલકો સહિત ગ્રામજનોની આ માંગ છે.