હાલોલના જેપુરા નવીનગરમાં પાણીની સમસ્યા : લોકો હેન્ડપંપથી પાણી ભરવા મજબુર

હાલોલના જેપુરા નવીનગરીમાં પાણીની વિકટ સમસ્યા બનતા લોકો હેન્ડપંપના સહારે જોવા મળી રહ્યા છે. વૃદ્ધો પણ હેન્ડપંપ ચલાવવા મજબુર બન્યા છે. સરકારની નલ સે જલ યોજના વામણી પુરવાર થઈ હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી નલ સે જલ જેવી મહત્વકાંક્ષી યોજનાઓ દ્વારા દરેક ધર સુધી પાણી પહોંચાડવાની વાતો કરે છે. ત્યારે હાલોલના જેપુરાની નવીનગરીમાં આ યોજના માત્ર કાગળ પર હોય તેમ જોવા મળી રહ્યુ છે. તંત્રના અણધડ વહીવટના કારણે સરકારની નલ સે જલ યોજના વામણી પુરવાર થઈ છે. છેલ્લા કેટલાક સમયથી પાણીની વિકટ અને ગંભીર બનેલી સમસ્યાને લઈને સ્થાનિક તંત્ર સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની બેદરકારીના પગલે ગામની વૃદ્ધ મહિલાઓને પણ હેન્ડપંપ ચલાવવા મજબુર થવુ પડ્યુ છે. નવીનગરીના ગ્રામજનો અને મહિલાઓએ ઉગ્ર રજુઆત સાથે ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં પાણીના સ્ત્રોતને લઈ સ્થાનિક તંત્ર દ્વારા નવીનગરીમાં માત્ર પાઈપો જમીનમાં દબાવીને રાખવામાં આવી છે.પરંતુ પાણી સાથે કોઈ જોડાણ કરવામાં આવ્યુ નથી. જેથી લોકોને પાણી મળતુ નથી. વર્ષ-2009/10ની એટીવીટી યોજના અંતર્ગત બનાવેલ મીની વોટર વર્કસ યોજના ખંડેર હાલતમાં જોવા મળતા તે પણ શોભાના ગાંઠિયા સમાન રહી છે. નવીનગરી ફળિયાના રહિશો દ્વારા પાણીની જટીલ સમસ્યા અંગે વારંવાર સરપંચ-તલાટીને મોૈખિક રજુઆત કરવા છતાં પણ કોઈ જ ઘ્યાન આપવામાં આવતુ નથી. ત્યારે ગ્રામજનો સવાલ કરી રહ્યા છે કે, અમે માટે પાણી માટે વલખા મારી રહ્યા છીએ ત્યારે તંત્ર કયારે જાગશે…?