ગોધરાના વ્હોરવાડ વિસ્તારમાં ૪૦ વર્ષ જુની જર્જરિત ટાંકીને ડિમોલીશ કરાઈ

ગોધરાના વ્હોરવાર્ડ ટાવર પાસે આવેલી ૪૦ વર્ષ જુની અને ૭.૫૦ લાખ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી જર્જરિત થઈ જતાં પાલિકા દ્વારા તેને સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી છે. આ કામગીરી માટે જેસીબી મશીનો સહિત અનેક મશીનરી કામે લગાડવામાં આવી હતી. ૧૫થી વધુ લોકોની ટીમ જોડાઈ અને સાવચેતીના પગલે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરાયો હતો.

ગોધરા વ્હોરવાર્ડ ખાતે ડિમોલેશનની કામગીરી દરમિયાન નીચેથી પસાર થતી નર્મદાની મુખ્ય પાઈપલાઈન ક્ષતિગ્રસ્ત થતાં પાણી પુરવઠો ખોરવાયો હતો. જોકે પાલિકાએ તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરીને પાણી પુરવઠો કાર્યરત કર્યો હતો. ૨૦થી વધુ વિસ્તારોમાં રહેતા લોકોને પાણીની મુશ્કેલી ન પડે તે માટે પાલિકા દ્વારા અગાઉથી આયોજન કરી બાજુમાં જ આવેલા ૧૦ લાખ લીટરના જુના સંપમાંથી પાણી પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે.