ગુજરાત સરકારે વર્ષ-૨૦૨૦માં ‘ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ’ અમલમાં મુકાયા બાદ દાહોદમાં નોંધાયેલા પ્રથમ કેસમાં ગુજરાત હાઈકોર્ટે અરજદારોની તરફેણમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. દાહોદની જનકપુરી સોસાયટીમાં આવેલી મિલ્કતના ૨૭ વર્ષ જુના પારિવારીક વિવાદમાં નોંધાયેલી ફરિયાદ અને તેની અનુસંગિક કાર્યવાહી હાઈકોર્ટે અરજદારો પુરતી રદ્દ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના રહેવાસીઓ પ્રિતેશ દેવડા, જયકિશન દેવડા, દિલીપ દેવડા અને વિજય દેવડા સહિતના પરિવારજનો સામે અનીલ નટવરલાલ દેવડા દ્વારા ૨૪ ફેબ્રુ.-૨૦૨૧ ના રોજ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મિલ્કતનો વિવાદ વર્ષ-૧૯૯૪ થી ચાલી રહ્યો હતો. અગાઉ સિવિલ કોર્ટે પણ દાવો ફગાવી દીધો હતો. આ કેસમાં દાહોદના ડીવાયએસપી દ્વારા કરાયેલી તપાસમાં વિવાદ સિવિલ પ્રકૃતિનો હોવાનુ જણાઈ આવ્યુ હતુ. પોલીસ અધિકારીએ ફરિયાદ રદ્દ કરવાની ભલામણ પણ કરી હતી. તેમ છતાં કલેકટરે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. આ મામલે દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી પુર્ણ થયા બાદ હાઈકોર્ટના ન્યાયમુર્તિ પી.એમ.રાવલ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટે નોંઘ્યુ કે, કાયદો અમલમાં આવ્યા બાદ વર્ષો જુના અને સિવિલ કોર્ટમાં નકકી થઈ ચુકેલા પારિવારીક વિવાદને લેન્ડગ્રેબિંગના ગુના સ્વપે ફરી જીવંત કરી શકાય નહિ. પારિવારીક વિવાદને ખોટી રીતે લેન્ડગ્રેબિંગનો રંગ આપીને પરિવારના સભ્યોને શારીરિક તથા માનસિક હેરાનગતિ કરવામાં આવી રહી હોવાનુ જણાવી હાઈકોર્ટે દાહોદ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ કેસ સેશન્સ કેસ નં.-૮૭/૨૦૨૧ સહિતની તમામ કાર્યવાહી અરજદારો પુરતી રદ્દ કરી દીધી છે.