ગોધરા તાલુકાના રતનપુર(કાં)ના બુટલેગરને પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલાયો

પંચમહાલ એલસીબી પોલીસે દારૂની હેરાફેરી પર કડક કાર્યવાહી કરતા ગોધરા તાલુકાના રતનપુર(કાં)ગામના કુખ્યાત પ્રોહી બુટલેગર રોનકકુમાર બારીયાની અટકાયત કરી મઘ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપ્યો છે. એલસીબી પોલીસને ટીમે ગુપ્ત બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પંચમહાલ એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ.આર.એ.પટેલ દ્વારા રતનપુર(કાં)ગામના રહેવાસી રોનક બારીયા વિરુદ્ધ કાંકણપુર પોલીસ સ્ટેશનમાં દાખલ વિદેશી દારૂના કુલ ત્રણ ગુનાઓના આધારે પાસા હેઠળ કાર્યવાહી માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આરોપીના સતત વધતા ગુનાહિત કાર્યોને પગલે પાસા હેઠળ પગલું ભરવાની કાર્યવાહી માટે ભલામણ કરવામાં આવી હતી. આર.એ.પટેલ દ્વારા તૈયાર કરાયેલ પાસાની દરખાસ્ત જિલ્લા મેજીસ્ટ્રેટ અજય દહિયા દ્વારા મંજુર કરાઈ હતી. એલસીબીની ટીમે ખાનગી વોચ ગોઠવી પ્રોહિ બુટલેગર રોનકકુમાર ઉર્ફે રોનકો રતનસિંહ બારીયાને ઝડપી પાડી જરૂરી કાગળો કરી કાયદેસરની કાર્યવાહી પુર્ણ કર્યા બાદ રાજકોટ મઘ્યસ્થ જેલ ખાતે ધકેલવામાં આવ્યો હતો.