દિલ્હી-મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ : ૧૪ ગામોના ખેડૂતોના પ્રશ્રોની સમીક્ષા કરાઈ, વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆતો

દાહોદ જીલ્લામાંથી પસાર થતા મહત્વાકાંક્ષી દિલ્હી-મુંબઈ કોરિડોર પ્રોજેક્ટને લઈને ઝાલોદ પ્રાંત કચેરી ખાતે એક મહત્વપૂર્ણ સંકલન અને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રોજેક્ટથી સીધી અસર પામનાર ૧૪ ગામોના આગેવાનો, ખેડૂતો તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા જમીન સંપાદન, વળતર અને અન્ય પડતર પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.

પ્રાપ્ત થતી માહિતી મુજબ, ઝાલોદ પ્રાંત કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કોરિડોર પ્રોજેક્ટને લગતી વિવિધ પડતર બાબતો અને વિકાસલક્ષી કામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને ખેડૂતોએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટને કારણે તેમની જમીનો, રસ્તાઓ તેમજ સ્થાનિક સુવિધાઓને અસર થઈ રહી છે. ખેડૂતોએ પોતાની મૂંઝવણો અને પડતર પ્રશ્નો વહીવટી તંત્ર સમક્ષ ભારપૂર્વક રજૂ કરી તમામ સમસ્યાઓનું વહેલી તકે અને પારદર્શક નિરાકરણ લાવવાની માંગણી કરી હતી. આ સમીક્ષા બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટી છે. પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. ખેડૂતો અને આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવેલી સમસ્યાઓને ધ્યાનથી સાંભળ્યા બાદ પ્રાંત અધિકારી એ.કે. ભાટીયા દ્વારા સંબંધિત વિભાગોના અધિકારીઓને સખત તાકીદ કરવામાં આવી હતી કે, ખેડૂતોના પ્રશ્નો અને બાકી રહેલી કામગીરીનો વિલંબ કર્યા વિના વહેલી તકે નિકાલ કરવામાં આવે તેમજ જ‚રી કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવામાં આવે. આ બેઠકમાં આગેવાન મૂકેશ ડાંગી સહિતના સ્થાનિક આગેવાનોએ પણ પ્રોજેક્ટ સંબંધિત પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સત્વરે પગલાં લેવા ભાર મૂક્યો હતો. તંત્ર દ્વારા સકારાત્મક અભિગમ દાખવીને જલદી જ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી છે.