ધોધંબાના વાંગરવાના સ્મશાનના રસ્તા માટે ૪ વર્ષથી ગ્રામજનોની રજુઆતનો એક જવાબ – ગ્રાન્ટ આવશે એટલે કરાશે

ગ્રામજનોનો સવાલ : ૧૫૧ કરોડના બજેટ અને કરોડોની વિવિધ ગ્રાન્ટ જાય છે ક્યાં?

લાકડાં ભરેલું ટ્રેક્ટર કાદવમાં ફસાયું, અંતિમ સંસ્કાર માટે બે કલાકની ભારે હાલાકી.

ઘોઘંબા તાલુકાના જોરાપુરા-વાંગરવા ગામમાં વિકાસના દાવાઓ વચ્ચે સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો જ વર્ષોથી બદહાલ હોવાનો ખુલાસો ગ્રામજનોએ કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, સ્મશાનના રસ્તા માટે છેલ્લા ચાર વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ દર વખતે ગ્રાન્ટ આવશે એટલે રસ્તો બનાવી આપીશું તેવો જવાબ મળતો રહ્યો છે. એક તરફ ગ્રામ્ય વિકાસ માટે કરોડો રૂપિયાની વિવિધ યોજનાઓ અને ગ્રાન્ટની વાતો થાય છે, તો બીજી તરફ મરણ પામેલા વ્યક્તિની અંતિમયાત્રા પણ કાદવ-કીચડમાંથી પસાર કરવી પડે તેવી સ્થિતિ સર્જાય તો વિકાસના દાવાઓ સામે સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે.

જોરાપુરા વાંગરવા ગામના બીયાડુંગરી ફળિયામાં મગનભાઈ કાળુભાઈ પટેલિયાનું અવસાન થતાં તેમના અંતિમ સંસ્કાર માટે લાકડાં ભરેલું ટ્રેક્ટર સ્મશાન તરફ લઈ જવામાં આવી રહ્યું હતું. પરંતુ કાદવ-કીચડથી ભરેલા રસ્તામાં ટ્રેક્ટર ફસાઈ ગયું હતું. પરિણામે અંતિમ સંસ્કાર માટેની ચિતા તૈયાર કરવામાં આશરે બે કલાક જેટલો સમય ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી હોવાનું જણાવાયું છે. બાદમાં અન્ય ટ્રેક્ટર બોલાવી ફસાયેલા ટ્રેક્ટરને ખેંચીને બહાર કાઢવામાં આવ્યું હતું. જે રસ્તા પર લાકડાં ભરેલું મજબૂત ટ્રેક્ટર ફસાઈ જાય, ત્યાં સામાન્ય માણસની અંતિમયાત્રા કેવી રીતે પસાર થતી હશે? એવો વેધક સવાલ ગ્રામજનો કરી રહ્યા છે.

સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો જો ચોમાસામાં કાદવ-કીચડમાં ફેરવાઈ જાય અને પગપાળા ચાલવું પણ મુશ્કેલ બને, તો મૃતદેહને અંતિમ વિદાય આપવા જતા પરિવારજનોની હાલત કેવી થતી હશે તે કલ્પના જ કંપાવી દે તેવી છે. મૃતકને અંતિમ વિદાય આપવાની ઘડીમાં પણ પરિવારજનો અને ગ્રામજનો રસ્તાની હાલાકી સામે ઝઝૂમે શું આ જ ગ્રામ વિકાસની વાસ્તવિક તસવીર છે?

ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્મશાનના રસ્તા માટે વારંવાર રજૂઆતો કરવા છતાં ચાર વર્ષથી આશ્વાસનો સિવાય કંઈ મળ્યું નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ, સરપંચ તરફથી ગ્રાન્ટ આવશે ત્યારે કામ થઈ જશે એવો જવાબ આપવામાં આવે છે. પરંતુ ચાર વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં રસ્તાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો ન થતાં હવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઘોઘંબા તાલુકાના વિકાસ માટે રૂ.૧૫૧ કરોડનું બજેટ રજૂ કરાયું હોવાની વાત વચ્ચે, ગ્રામજનો હવે સીધો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો આટલી મોટી રકમ વિકાસ માટે ફાળવાય છે તો સામાન્ય માણસને સ્મશાન સુધી પહોંચવા માટે રસ્તો કેમ મળતો નથી? આયોજન, ૧૫મું નાણાં પંચ, મનરેગા, તાલુકા-જિલ્લાની ગ્રાન્ટ તેમજ ધારાસભ્ય અને સાંસદની વિકાસલક્ષી ગ્રાન્ટ સહિતની યોજનાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચતો હોવા છતાં જોરાપુરા-વાંગરવાના સ્મશાન માર્ગની હાલત કેમ સુધરતી નથી? તે અંગે ગ્રામજનોએ તંત્ર પાસે જવાબ માગ્યો છે. ગ્રામજનોનો વધુ એક ગંભીર આક્ષેપ છે કે ગ્રામ પંચાયતના વહીવટકર્તાઓને અનુકૂળ હોય તેવા કામોને પ્રાથમિકતા મળી જાય છે, જ્યારે સીધા લોકઉપયોગી કામોની ગ્રાન્ટ મંજૂર થતી નથી. આ આક્ષેપોની તંત્ર દ્વારા તપાસ કરી વાસ્તવિકતા સ્પષ્ટ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

ઘોઘંબા તાલુકામાં વિકાસના દાવાઓ વચ્ચે એક ગામના લોકોને પોતાના સ્વજનને અંતિમ વિદાય આપવા માટે પણ કાદવ-કીચડમાં સંઘર્ષ કરવો પડે, તો વિકાસની વાતો અને જમીની હકીકત વચ્ચેનો તફાવત ચર્ચાનો વિષય બને તે સ્વાભાવિક છે. ગ્રામજનોએ વીડિયો અને અખબારના માધ્યમથી તંત્રનું ધ્યાન દોરી વાંગરવા ગામના સ્મશાન તરફ જતા રસ્તાનું તાત્કાલિક ધોરણે કામ કરાવી આપવાની માંગ કરી છે.

હવે જોવાનું એ રહે છે કે, ચાર વર્ષથી ગ્રાન્ટ આવશેના આશ્વાસન પર અટકેલો આ રસ્તો ખરેખર ક્યારે બને છે કે પછી વિકાસની ફાઈલોની જેમ આ રસ્તો પણ કાગળ પર જ પૂર્ણ થઈ જશે?