ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા અનેક માણસો દારૂનો ધંધો કરે છે: મનસુખ વસાવા

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા અનેક માણસો દારૂનો ધંધો કરે છે તેવો દાવો ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કર્યો હતો. તાજેતરમાં જ મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે તેમા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખના ભાઈ પાસેથી દારૂની બોટલો મળી આવી હતી.

ભદ્રેશ વસાવા પાસેથી દારૂની ૧૧ બોટલ પકડાતા રાજકારણ ગરમાયુ હતુ. મનસુખ વસાવાએ દાવો કર્યો હતો કે ફક્ત ૧૧ બોટલ મળી તેમા પાંચ પેટી દારૂ હતો જેને સગેવગે કરી દેવાયો હતો. આમ એકભાઈ દારૂનો ધંધો કરે અને બીજો વિધાનસભ્ય ભાઈ પોલીસના માથે માછલા ધોવે. આમ ચૈતર વસાવાના બંને હાથમાં લાડવા છે તેવો કટાક્ષ પણ તેમણે કર્યો હતો. ચૈતર વસાવવાની સાથે જોડાયેલા કેટલાય માણસો દારૂના ધંધા સાથે સંકળાયેલા છે તેમ તેમણે જણાવ્યું હતું.

તેમનું કહેવું હતું કે ચૈતર વસાવવાના ચાવવાના અને બતાવવાના દાંત જુદાં-જુદાં છે. એકબાજુએ જનહિતેષી હોવાના દાવા કરે છે અને બીજી બાજુએ તેના જ માણસો દારૂના ધંધા કરે છે. આ ધંધા મને શંકા છે કે તેની જ છત્રછાયા હેઠળ થતાં હોય છે. આમ આદમી પાર્ટી આમ પણ દારૂને વરેલી છે. તેમના સીએમ અને ડેપ્યુટી સીએમ પોતે દારૂ બનાવતી કંપનીઓ પાસેથી લાંચ લેવાના આરોપમાં જેલમાં જઈ આવ્યા છે. પછી ચૈતર વસાવા એન્ડ કંપની આવું કરે તો નવાઈ ન થવી જોઈએ.

જો કે તેમના માટે નવાઈ તે બે મોઢાંની વાતો કરે ત્યારે થાય છે. તે પોલીસ પર કે તંત્ર પર દારૂને લઈને પ્રહારો કરે ત્યારે મને હસવું આવે છે. ભાઈ જ્યારે તમારા જ પક્ષના ર્ક્તાધર્તા અને ડેપ્યુટી સીએમ દારૂને લઈને જેલમાં ગયા હતા ત્યારે તમારા આ જ મોઢા ક્યાં ગયા હતા. તમે પોલીસ પર અને બીજા રાજકીય પક્ષ પર આક્ષેપ કરો છો, આક્ષેપોનું રાજકારણ રમો છો, પરંતુ પહેલા પોતાના ગિરેબાનમાં તો ઝાંકો. પોતે શીશમહેલમાં રહે છે અને બીજા પર પથ્થરો ફેંકવા છે.