
ઝાલોદ તાલુકાના રણીયાર ગામે આજે તારીખ 03/12/2025, બુધવારના રોજ સવારે 11 વાગ્યે દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ મિશન મંગલમ યોજના અંતર્ગત ચાલતી પોટરી પ્રોડ્યુસર કંપની લિમિટેડ કોમન ફેસીલીટી સેન્ટર ની મુલાકાત કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્યએ મહિલા શક્તિ દ્વારા સર્જાતી હસ્તકલા, માટીની ચીજવસ્તુઓ અને પરંપરાગત કળાના આધુનિક સ્વરૂપોને નિહાળતા તેમની પ્રતિભા અને પરિશ્રમની પ્રશંસા કરી.સેન્ટર ખાતે 70 થી 80 જેટલી ગામની મહિલાઓ રોજગારી મેળવી રહી છે અને સ્વનિર્ભરતાની દિશામાં મજબૂત કદમ ભરી રહી છે. દીવડા, કુંડાં, શિલ્પો અને માટીના વિવિધ આકર્ષક ઉત્પાદનોમાં તેમની કળાત્મક સર્જનાશીલતા સ્પષ્ટ ઝળહળે છે.માટીને સ્વરૂપ આપતા તેમના હાથોમાં માત્ર કલા જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ, ધીરજ અને સંકલ્પની ઝાંખ જોવા મળે છે.ધારાસભ્ય કિશોરીએ મહિલાઓ સાથે સંવાદ કરીને તેમનું મનોબળ વધાર્યું અને ગ્રામ્ય મહિલા ઉદ્યોગો માટે રાજ્ય સરકાર દ્વારા મળનારી વિવિધ સહાયની માહિતિ આપી. તેમણે જણાવ્યું કે મહિલાઓની શક્તિ અને સર્જનશીલતા ગામડાના વિકાસનું સૌથી મોટું બળ છે. આ સેન્ટર જેવા પ્રયત્નો ગ્રામ્ય અર્થતંત્રને નવી દિશા આપે છે.રણીયાર ગામનું આ મોડલ સેન્ટર આજે માત્ર ઉત્પાદન એકમ નહીં, પરંતુ મહિલાઓના પ્રગતિ માર્ગનું પ્રતિક બની રહ્યું છે.આ મુલાકાત ગ્રામ્ય મહિલા ઉદ્યોગ માટે પ્રેરણાદાયક ક્ષણ તરીકે યાદગાર બની રહી.