દેવગઢ બારીઆ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવેના નવીનીકરણનું ખાતમુહૂર્ત

ચાર કરોડથી વધુના ખર્ચે રસ્તાનું નવીનીકરણ હાથ ધરાયું; લાંબા સમયથી ખખડધજ માર્ગથી પરેશાન લોકોને મળશે રાહત.

દેવગઢ બારીઆ નગર માંથી પસાર થતા સ્ટેટ હાઇવે માર્ગના નવીનીકરણ માટે આખરે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય બચુભાઈ ખાબડના હસ્તે રસ્તાના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજે ચાર કરોડથી વધુના ખર્ચે આ માર્ગનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન બનાવવામાં આવેલો આ સ્ટેટ હાઇવેનો માર્ગ ટૂંકા સમયગાળામાં જ ખખડધજ બની ગયો હતો. માર્ગ પર ઠેરઠેર ખાડા પડતા વાહનચાલકો તેમજ સ્થાનિક નગરજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. રસ્તાની બિસ્માર હાલતને લઈને સ્થાનિક આગેવાનો, નગરજનો તેમજ રાજકીય નેતાઓ દ્વારા સમયાંતરે તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હતી.

લાંબા સમયથી કરવામાં આવતી રજૂઆતો બાદ આખરે સરકાર દ્વારા માર્ગના નવીનીકરણને મંજૂરી આપવામાં આવતા હવે કામગીરીનો પ્રારંભ થયો છે. નગરમાંથી પસાર થતા મહત્વના સ્ટેટ હાઇવેના નવીનીકરણથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે ધારાસભ્ય બચુભાઈ ખાબડે નવીન બની રહેલા રસ્તાની કામગીરીમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય તે અંગે ખાસ ભાર મૂક્યો હતો. તેમણે નગરજનો, પાલિકા સભ્યો તેમજ સંબંધિત અધિકારીઓને રસ્તાની કામગીરી પર સતત દેખરેખ રાખવા અને કામગીરીમાં કોઈ ખામી જણાય તો તાત્કાલિક ધ્યાન દોરવા અપીલ કરી હતી.