દે.બારીઆનો ઐતિહાસિક દશેરાનો મેળો આ વર્ષે સબજેલ ખાતે ભરાશે

દે.બારીઆ શહેરમાં રજવાડી શાસનકાળથી ભરાતો પરંપરાગત દશેરા મેળો આ વર્ષે પણ યોજાશે. અગાઉ ટાવર વિસ્તાર, ટાવર શેરી, સુથારવાડા, ક્ધયાશાળ રોડ અને સ્ટેશન શેરી સહિતના વિસ્તારોમાં મેળાની રોનક જોવા મળતી હતી. જોકે હવે મેળો જુના પોલીસ સ્ટેશન નજીકના સબજેલ વિસ્તારમાં ખસેડવામાં આવ્યો છે. અહિં ચકડોળ સહિતના મનોરંજનના સાધનો ગોઠવવાની અને વેપારીઓ માટે સ્ટોલ ઉભા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. મેળાની જગ્યા બદલાતા ટાવર રોડ, ક્ધયાશાળા રોડ, બસ સ્ટેન્ડ અને ધાનપુર રોડ વિસ્તારના વેપારીઓને ધંધો ધટવાની ચિંતા સતાવી રહી છે. બીજી તરફ એક સમયે છોટાઉદેપુર, કવાંટ, દાહોદ, ઉદયપુર અને મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાંથી લોકો મેળો માણવા આવતા હતા. રાઠવા સમાજના પરંપરાગત લોકનૃત્યો અને પીહા વાદન મેળાનુ મુખ્ય આકર્ષણ હતા. પરંતુ હવે આ સાંસ્કૃતિક રોનક ઓછી થઈ રહી છે. કોરોના કાળ બાદ મેળામાં લોકોની ભીડ ધટતા બહારગામથી આવતા વેપારીઓને પણ નુકસાન સહન કરવુ પડતુ હોવાની ચર્ચા છે. અગાઉ આસપાસના ગામોમાં મેળા માટે વિશેષ એસે.ટી.બસોની સુવિધા પણ કરવામાં આવતી હતી. હાલ મેળાની તૈયારીઓ વચ્ચે પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થાઓ ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.